તમે ક્યારેય વિચારો છો આવી ઘટનાઓ વિશે? આ રીતે?
Bhoomisukta - himanshi shelat gujarati novel

Bhoomisukta - himanshi shelat gujarati novel
તમે ક્યારેય વિચારો છો આવી ઘટનાઓ વિશે? આ રીતે?
- આનંદ ઠાકર
ગામડાના એક ખેતરમાં ચૈત્રની તડકી વચ્ચે કડવા લીમડાની મીઠી છાંયડી વચ્ચે બેઠો છું ને કાળાઆતા મનોમન બબડતા આવે છે કે આ દેશી ખાતર લાવ્યો પણ એમાં ય ‘ઝભલા’ નીકળે છે. ( અહીં ‘ઝભલા’ એટલે પોલીથીનની આછી થેલી. ) એવામાં એક ફોન એમને આવે છે, વાત કરી અને પાણી પી, આતાએ મને કહ્યું: મોહનનો ફોન હતો, અમેરિકાથી, ઓણ સાલ આવે છે ને એનો ડેલો ને મકાન સાફ કરાવવાનો છે, પૈસા નાખી દીધા છે મારા ખાતામાં હવે લાગે છે ધીરે ધીરે આ ગીરો મુકેલી જમીન છૂટશે. કંઇ નઈ ચા આપ ધીરિયા….
અને મને યાદ આવ્યાં હિમાંશી શેલત અને એમને રચેલી લેટેસ્ટ નવલકથા ‘ભૂમિસૂકત’ આપણી આસપાસ બનતી આવી ઘટનાઓ વિશે આપણે વિચારવા બેસીએ તો શું દેખાય? તમે ક્યારેય વિચાર્યું છે આવી ઘટનાઓ વિશે?
આપણી આસપાસ કચરાના ડબ્બા માંથી ઊડતાં ‘ઝભલાં’ વિશે? તમે વિચાર્યું છે ક્યારેય વિકાસના નામે મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવતા વૃક્ષો વિશે? એ વૃક્ષોને શબ તરીકે જોયાં છે? તમે કલ્પના કરી છે કે એક પતંગિયાની પ્રજા નાશ પામે ને એની સાઇડ ઇફેક્ટ્સ ધરતી પર દેખાવા લાગે? દેશ માંથી વિદેશ જવા વાડીઓ વેચીને લેણું કરવું એ કેવી પૈસા માટેની આંધળી દોટ હશે એ વિચારો છો? તમને ક્યારેય વિચાર આવે છે કે ઓવર બ્રિજ નીચે દટાઈને કે અંડર બ્રિજમાં પાણી ભરવાથી આમ જનતાના મૃત્યુ વિશે હવે આપણને કોઈ આશ્ચર્ય થતું નથી?! તમને આ વિચારવું એ બધો આદર્શવાદ ને વેવલાવેડા લગતા હોય તો આ નવલકથા તમારા માટે નથી. જો આ માટે થોડું પણ સંવેદન જીવિત હોય તો આગળ વાંચો…
સુજોય, લતિકા, દેવાંગના, અમોલ, તપન, ઝરીના, અખિલ, પ્રભાસ સર, રાયજીકાકા, મદન, સિબુ આ બધા પાત્રોની તાણાવાણામાં રચાયેલી આ કથા ગુજરાતના એક ગામડાંથી શરૂ થઈ અને મણિપુર, ઇમ્ફાલ ને મોટા કદના પતંગિયાનું ચિત્રકોટ સુધી જાય છે.
કથા લતિકાની આસપાસ છે ને છતાં એ ક્યાંય નથી, છીએ આપણે. ગામડાં ખાલી થઈને વિદેશ ભાગી ગયા છે, ગામડામાં પણ વૃક્ષો કાઢીને પેવર બ્લોક રસ્તાઓ બને છે એના અચરજથી લઈ અને દેશમાં ઘટેલી એવી કેટલીય ઘટનાઓ વિશે સર્જકે એવો તો કથાનો ઘાટ ઘડ્યો છે કે પુસ્તક પૂરું કરો ને તમને એમ થાય કે હા. આ બધું તો હું પણ જોઉં છું પણ આને આ રીતે નથી જોયું.
બદલાતાં ગામડાં, મહાનગર અને પ્રજાનું સર્જકીય ચાર્જશીટ એટલે ‘ભૂમિસૂકત’. સર્જકની ભીતરની આગનું તહોમતનામુ છે.
આ પુસ્તકમાં કથાનો તંતુ એક છે પણ અનેક કથાઓના રેસા આપણને અનેક દૃષ્ટિકોણમાં ગતિ કરાવે છે.
આ પુસ્તક મેં વાંચ્યું પછી હું બે મહિના અને અત્યારે પણ હજુ વિચારમાં છું કે કઈ રીતે આ પુસ્તકનો પરિચય આપની સામે રજૂ કરું?
એક સર્જકનું ખરું કર્મ શું છે? એક લેખક પોતાની આગને કઈ રીતે રજૂ કરી શકે છે એ સમજવું હોય તો આ પુસ્તક તેનો ચિતાર છે. સમાજના અને દેશના સળગતા પ્રશ્નોને લઈને પણ નવલકથા તરીકે ક્યાંય બાંધછોડ કરી નથી. જો કે હિમાંશી શેલતની લેખનની એક અલગ પધ્ધતિ છે અને એને સમજનારો ને એમાંથી કંઈક નવું વાંચ્યાનો આનંદ લેનારો એક જુદો વર્ગ છે.
પૂરું પુસ્તક તો આપે મેળવીને વંચાવું રહ્યું પણ અહીં આ પુસ્તકની કેટલીક વાતો જે મને સ્પર્શી ગઈ, કેટલાંક એવા વિધાનો અહીં ઉતરવાનો લોભ જતો કરતો નથી ને એથી પણ વધુ જે પાને વાંચતા વાંચતા હું કલાકો અટકી ગયો, એ પાના અહીં ઊતરું છું ફ્કત ફક્ત અને ફક્ત એટલા માટે કે તમે અહીં મૂકેલા એ ટ્રેલરને વાંચીને પુસ્તક સુધી જાઓ અને જવુજ જોઈએ….
*****
કથાના પ્રકરણો છે…
• દેવાંગનાની નોંધ
• ગામ
• મહાનગર
•યાત્રા
• બસ્તરનાં પતંગિયા
• અમોલ-દેવાંગના
• મદન અને સુજોય
• મહાનગર
*****
કેટલાંક અવતરણો….
ગજબનો થનગનાટ છે પગમાં. ઠરતા નથી ભોંયે. છલાંગ મોટી ભરવાની છે, હૈયે હામ છે જે મળવાનું છે એવા રંગીન જીવનની. આટલા પ્રદૂષણ અને ભ્રષ્ટાચારમાં પડી રહેવાનું હોય કંઈ? ઊડો, ઊડી જાવ અહીંથી દૂર સુદૂર. દેશ-દેશ શું કરો છો આંખ મીંચીને! સંકુચિત વલણ છોડો. ગ્લોબલ સિટીઝન બનવાનું છે. પછી સંસ્કૃતિ સાચવવા ત્યાં ગરબારાસ અને ડાયરા ક્યાં નથી? કેન્દ્રોયે જોઈએ તેટલાં મળશે ધરમધ્યાન માટે. બસ, એક વખત અહીંથી નીકળો, પછી ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ…
****
દેશમાં ઓછું જ આવે છે. કોઈ આકર્ષણ બચ્યું નથી. માતૃભાષા તો ક્યારનીયે અવસાન પામી છે, અને એની શોકસભા ભરવાનો પ્રસંગ ઊભો થયો નથી કારણ કે એની જરૂર નથી લાગી પરપ્રાંતની હોનહાર જમાત વચ્ચે અંગ્રેજી માધ્યમમાં ભણી છે, તે પાછું હૉસ્ટેલમાં રહીને.
*****
આ તમે જ્યાં ખડાં છો એ રસ્તો આટલો તપેલો ને કાળઝાળ નહોતો. બેય બાજુ હતાં એ માવતર જેવાં, છાયા પસારીને ચામર ઢોળતાં. માણસની જાત તો એમને છૈયાં છોરું જેવી. બોલ્યાં વિના વ્હાલ વરસાવે એ ઘટાળાં.
****
પહેલાં તો આ ગાંધીજીનાં ચશ્માંવાળું પાટિયું ખસેડો. એ જોઈને એમના વિરોધીઓ ચાહીકરીને પ્લાસ્ટીક ઠાલવે છે. કાંદાનાં ફોતરાં જેવાં ઝભલાં ઊડાઊડ ચોમેર. હા, એને ‘ઝભલાં’ કહે છે સમજુ લોક. દેશની વધતી જતી વસ્તીનું પ્રતીક. છે ને પ્રજા જીનિયસ!
*****
આપણે સાચાં હોઈએ એટલે બધે ફટાફટ નિરાકરણ આવે એવું નથી.
****
પ્રતિબંધિત સિંગલ યુઝવાળું પ્લાસ્ટિક-જેને માંગવાવાળા ‘ઝભલું’ કહે છે તેના ઉત્પાદન પર રોક કેમ નથી? જવાબ માંગ્યો છે, હજી સુધી મળ્યો નથી. ક્યાંક ક્યાંક તો ગાંધીચશ્માં અને સ્વચ્છતા અભિયાનવાળાં પાટિયાં નીચે જ આ થેલીઓ ઊડાઊડ. બીજો કચરો તો ખરો જ. ખાસ તો પાનમસાલાના પાઉચ. મરવાની છે આ પ્રજા. (આ પ્રજામાં જાતનેય સામેલ કરવી પડે ને!)
*****
રસ્તા બદલવા એટલે વિરોધ ન કરવો. સાયલન્સ, એટલે કે આત્મદ્રોહ. સંઘર્ષ ન નોતરવો. બધી લડાઈ આપણે લડી શકતાં નથી એ સમજ. પોતાની અંદર જે આગ હોય એને ભીતર સમાવી દેવી.
*****
સમજદાર હોવાની આ સજા હોય. જતું કરવાનું.
****
ધીરજ અને હિંમત, આયખાની સંચિત મૂડી આ, તે ખરે ટાણે કામ ન લાગે તો બધું નકામું.
****
સંકુચિત વિચારો છોડો, વી આર ગ્લૉબલ સિટિઝન્સ! માત્ર ઇન્ડિયન નહીં... જ્યાં રહીએ ત્યાં, મસ્તીથી રહેવાનું!
આવી દલીલો પૂરી પ્રતીતિપૂર્વક એ કરતો, અને લતિકાને એ અનેક વખત સાચોયે લાગતો. છતાં એનો સ્વીકાર અશક્ય—બીજો દેશ જો ઉત્તમ હોય તો એને એ સ્થિતિ પર પહોંચાડવાનો યશ જેટલો રાજકીય નેતૃત્વનો એટલો જ સમાજનો, પ્રજાનો. ત્યાં જો પ્રજા શિસ્તપૂર્વક વર્તે તો અહીં શી હરકત છે? કેમ પ્રજા એટલી ઊંચાઈએ પહોંચી ન શકે? પરદેશમાં લાયબ્રેરીમાં થેલા લઈને જવાય તો અહીં કેમ બધું બહાર મૂકીને જવું પડે? પ્રામાણિકતા એ લોકોનો વિશેષાધિકાર છે કંઈ?) અખિલ પાસે આનું સમાધાન હાજર. અમે તો રહ્યાં સામાન્યજન, પ્રજાઘડતરનું કામ ના થાય અમારાથી, તમે કરી શકતાં હો તો કરો! કરવા જેવાં કામો માટે તો આખી પૃથ્વી પડી છે, સ્કાય ઇઝ ધ લિમીટ!
ના, આવી દલીલો નિરાધાર. ગ્લૉબલ સિટિઝનનું તો જે હોય તે, સમાજ માટે તો કામ કરવું પડે, પ્રજા કંઈ ઘડાઈને, સર્વોત્તમ બનીને ઉપરથી નથી અવતરતી એકેય દેશમાં. જેને નાસી છૂટવું છે એ તો આવાં અનેક બહાનાં શોધી શકે.
***
દેશમાં રહીને, દેશ માટે કામ કરતા મુઠ્ઠીભર લોકો ખાસ છે. ધે આર નોટ ઓર્ડિનરી. એ પણ ભાગેડુ થઈ શક્યા હોત, પણ નથી થયા, તક મળી તોયે નથી નાસ્યા, દેશ માટે, પોતાના સમાજ માટે, સમય આપ્યો છે, યથાશક્તિ, અને એથીયે વધારે, ઘસાયા છે.
****
દેશપ્રેમ દેખાડવાની અનેક રીત હોય છે.
****
જીવનમાં નિર્ણય લેવાની ક્ષણે પાછાં પડવાનું ન ચાલે, ટેઇક અ ફર્મ સ્ટેન્ડ…
****
હયાત રહેવાશે તો કામ થશે. બાકી પતી જવાયું તો કામનું શું? બધું અહીં જ રહી જવાનું. શક્યતાનો છેદ.
****
જનસમૂહ સાથે કામ કરવું સહેલું નથી. ઉત્તમ અને લાભદાયી પ્રવૃત્તિઓ પણ નકામી ઠરે એમ બની શકે. સમાજના ઉદ્ધારક થવાનાં સપનાં બિલકુલ હવામાં રહી જાય અને તમે ધૂળભેગાં થઈ જાવ, પછી ન અહીંનાં, કે ન બીજે ક્યાંનાં, તૂટીને વેરવિખેર થવા સિવાય બીજું કશું ન બને
***
લતિકાને બે—ત્રણ દુકાનો દેખાડી. ઝુંડ લોકનાં. પછી લાંબી લાઇનો. આપણી પ્રાયોરિટી જ બરાબર નથી એમ સતત કહેતી લતિકા સાચી. દોડમાં પાછળ રહી ગયેલાં ખરેખર છેલ્લાં જ રહી ગયાં. નિશાળો છે પણ મકાનો બેહાલ. ચોમાસામાં અડધો સમય રજા. નીચા પુલ પર પાણી આવી જાય, ચાલીને જવામાં જોખમ. ગઈ સાલ પાંચેક છોકરાં તણાઈ ગયાં. સ્મશાન નદીની પેલી તરફ. ને હોસ્પિટલ પણ એ બાજુ. એમ્બ્યુલન્સ જઈ ન શકે, એટલે માંદાને ખાટલીમાં નાંખી ચાર જણ લઈ જાય પ્રવાહને પાર કરીને. બધું આવે જ છે ટીવી પર. કોઈ નથી જાણતું એમ નહીં. ખાનગી શું છે આમાં? પ્રજા બાપડી ખાંજરે નાખી હોય એમ…
****
લોકશિક્ષણમાં કોને રસ બચ્યો છે હવે? સબ સબકી સમાલો. આ તો ઠીક છે કે થોડી સંસ્થાઓ હજી બચી છે, એવી વ્યક્તિઓ પણ હજી હયાત છે જેને સમાજમાં અને માણસોમાં રસ હોય. થોડાં વરસો જવા દો, આવાં કામ માટે કોઈ મળશે નહીં) જેમણે સેવાસંસ્થાઓ સ્થાપી હશે એમાં એવાં તત્ત્વો પેસી જશે જેની એ સંસ્થાઓના સ્થાપકોએ કલ્પના પણ નહીં કરી હોય. આ મારો અનુભવ બોલે છે..
****
પ્રજા માટે ખુવાર થયેલાં ને થતાં સહુની આ નિયતિ. છોલાઈ જવાનું પહેલાં, પછી વિકરાળ વાસ્તવિકતા સાથે મેળ પાડવાનો. વકરી ગયેલા ઘાની પીડા એવી હોય કે કશોયે આદર્શવાદ ટકે નહીં. પ્રજા તો આમેય ક્યારે ભરોસાપાત્ર હતી?
***
તમે છાપાં જોવાનું બંધ કરો. ન્યૂઝ ટીવી પર પણ નહીં જોવાના. મોબાઇલને તો અડતા જ નહીં. તાકીદના સંદેશ માટે અથવા અગત્યની વાત કરવાની હોય તો એટલા પૂરતો જ એનો ઉપયોગ. નિયમ એવો છે કે દુર્ગંધની સાફસૂફી અશક્ય હોય તો નાક બંધ રહે એમ માસ્ક પહેરવાનો. તમારે એ જ કરવું પડે.
*****
રસ્તા બદલવા એટલે વિરોધ ન કરવો. સાયલન્સ, એટલે કે આત્મદ્રોહ. સંઘર્ષ ન નોતરવો. બધી લડાઈ આપણે લડી શકતાં નથી એ સમજ. પોતાની અંદર જે આગ હોય એને ભીતર સમાવી દેવી.
*****
સમજદાર હોવાની આ સજા હોય. જતું કરવાનું
****
ધીરજ અને હિંમત, આયખાની સંચિત મૂડી આ, તે ખરે ટાણે કામ ન લાગે તો બધું નકામું.
*****
બીજો દેશ જો ઉત્તમ હોય તો એને એ સ્થિતિ પર પહોંચાડવાનો યશ જેટલો રાજકીય નેતૃત્વનો એટલો જ સમાજનો, પ્રજાનો. ત્યાં જો પ્રજા શિસ્તપૂર્વક વર્તે તો અહીં શી હરકત છે? કેમ પ્રજા એટલી ઊંચાઈએ પહોંચી ન શકે? પરદેશમાં લાયબ્રેરીમાં થેલા લઈને જવાય તો અહીં કેમ બધું બહાર મૂકીને જવું પડે? પ્રામાણિકતા એ લોકોનો વિશેષાધિકાર છે કંઈ?
******
જાતથી દૂર નાસવાની મરણિયા કોશિશ પ્રજા માટે ખુવાર થયેલાં ને થતાં સહુની આ નિયતિ. છોલાઈ જવાનું પહેલાં, પછી વિકરાળ વાસ્તવિકતા સાથે મેળ પાડવાનો. વકરી ગયેલા ઘાની પીડા એવી હોય કે કશોયે આદર્શવાદ ટકે નહીં. પ્રજા તો આમેય ક્યારે ભરોસાપાત્ર હતી?
***
કેટલાંક અવતરણો આ પુસ્તકના પાના માંથી ....
શું કહું? અરે શું વિચારીએ આપણે? - કહેવાની વાત તો દૂર - કંઈક કરી છૂટવાની વાત તો એથી પણ દૂર….
બસ, મને એટલી ટાઢક છે કે મારી ભાષામાં ધ્રુવ ભટ્ટ, હિમાંશી શેલત, મહેન્દ્રસિંહજી પરમાર જેવા સર્જકો છે જે આવા વિષયો પર લખીને પ્રજાને ઢંઢોળવાનું કામ કરતા રહે છે.
- આનંદ ઠાકર
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






