કૌશિકરાય પંડ્યાઃ એમની ગંગાલહરી અને શબરીબાઈનાં પદ

Kaushikray Pandya Gangalahari Shabaribaina pad Gujarati Poetry kavy kavita

Nov 3, 2024 - 19:43
 0  122
કૌશિકરાય પંડ્યાઃ એમની ગંગાલહરી અને શબરીબાઈનાં પદ
Kaushikray Pandya Gangalahari Shabaribaina pad Gujarati Poetry kavy kavita

Kaushikray Pandya Gangalahari Shabaribaina pad Gujarati Poetry kavy kavita

કૌશિકરાય પંડ્યાઃ એમની ગંગાલહરી અને શબરીબાઈનાં પદ

કૌશિકરાય પંડ્યા, હું એમને શબ્દોથી જ ઓળખું. એમનું લાખણ ખૂબ હૃદયસ્પર્શી હોય છે. ફેસબુક જ અમારી ઓળખાણ થઈ અને તેમના શબ્દો ત્યાં ધોધ સ્વરૂપે વહે છે. ગમે છે. એમની આંખોએ આ જગતને જોયું છે કદાચ તેનાથી વધું તેમની ચેતનાએ આ જગતને પારખ્યું છે. 
સંજોગો, સમય અને સંવેદના સભર આ માણસ આજની ઓળખ નથી. એ હજુ પણ સાબૂત છે આજની પરિસ્થિતિથી દૂર વસતા એક ગામડાના જણ તરીકે. આજે પણ એની તસવીરોમાં ઝલકતી એમની આંખો ક્યાંક સ્વકીય ભીનાશ લઈ અને બેઠી છે અને એટલે જ એમની ચેતના હજુ જઈ આવે છે સદીઓ પુરાણી ગંગાલહરી સુધી કે યુગોપુરાણી શબરી સુધી. શબરીને તેણે અત્યારના સમય માટે સુસંગત કરી છે. 


( કૌશિકરાય પંડ્યા મારા વડીલ, પ્રાધ્યાપક એટલે ગુરૂતુલ્ય. એમને નામથી ન બોલાવી શકાય પરંતુ અહીં આગળ એમના કાવ્યોની વાતો કરતા કરતા હું થોડી છૂટ લઉં છું તે પણ એમની પૂર્વઅનુમતિ અને એમના સ્નેહને યાદ કરીને. એટલે સાહેબ, અહીં આપને માત્ર નામથી ઉલ્લેખ કરું તો એની પ્રથમ ક્ષમા ઈચ્છું છું. ને હું કંઈ વિવેચક કે સાહિત્યકાર નથી કે આપણે ક્યાં લીટો તાંણવો છે. આ તો ગમતું મળ્યું તે ગુલાલ કરીએ... શબ્દનો શુદ્ધ આનંદ છે.  – આનંદ ) 

ગંગાલહરી કાવ્યસંગ્રહ પ્રગટ થયો અને પછી શબરીબાઈનાં પદો – આ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ બન્ને તેમણે મને ભેટ મોકલી કારણ કે અમારા શબ્દો અને સંવેદનના રસ્તા ક્યાંક ભેગા થતાં હતા. આપણી સાહિત્યની જૂનાં ઘરાનાને ઘણું વાંચનારા અને સાંભળનારા જણ બહુ જૂજ છે એમાંના કૌશિકરાય પંડ્યા છે. મેં બન્ને કાવ્યસંગ્રહ આવતા વેંત વાચી લીધેલા. ફરી ફરીને વાચના થઈ અને આજે કંઈક સંજોગ રચાયા કે એમના કાવ્યોમાંથી ગમતી પંક્તિઓ આપની સામે મૂકી અને એમના શબ્દ સાથેના ઉજાસને આમ વહેંચીએ... 

ગંગાલહરી


સદીઓ પહેલા ગંગાલહરી જગન્નાથે સંસ્કૃતમાં રચી હતી. દંતકથાઓ પ્રમાણે તેના રચના પાછળ તેમનો પ્રેમ અને પ્રેમીપાત્રને કારણે સ્વજનોથી દૂર થવું અને ફરીથી પોતાની જાતને સાબિત કરવા ગંગાને કરવામાં આવેલી પ્રાર્થના છે. ગંગાલહરીનો પ્રથમ પરિચય મને કોલેજમાં થયેલો. વાંચીને એમ થયું કે પ્રેમની તાકાત તો જુઓ, ગંગા કરતા પ્રેમ પવિત્ર છે એ સાબિત કરવા માટે યુગો પછી જગન્નાથને ગંગાએ સાબિતી આપી. ગંગાએ શાંતનું સાથે પ્રેમ કરેલો અને શરતી પ્રેમનું જાણે કે ગંગાએ જગન્નાથના કીસ્સામાં પ્રાયશ્ચિત કર્યું હોય એવું મૂળ ગંગાલહરી વાંચીને થયેલું.

જગન્નાથની ગંગા નદી પણ છે અને પૂજ્ય પણ છે. જ્યારે કૌશિકરાયની ગંગા આપણી સામે પૂજ્યભાવે જ આવે છે. કૌશિકરાયની ગંગા વર્તમાન સમયના પ્રવાહ સાથે પ્રવાહ મેળવી અને એક અલગ ઉંચાઈ મેળવવા મથે છે.  


ગંગાલહરીના પ્રથમ પદમાં પ્રથમ પંક્તિ મૂકીને જ હૃદય જીતી લીધું...


હે ગંગા!
આપ મૃત્યુલોકનું સૌભાગ્ય છો. 
મૃત્યુ સાથે સૌભાગ્યને મૂકીને કવિકર્મ કર્યું છે. મજ્જા પડી ગઈ. ગંગાને આ સંગ્રહમાં એક નવી નજરે જોવા મળે છે.
જો તું જ ન મળે. 
તો કોને કરું રાવ કે ફરિયાદ?
તો ક્યાં જઈને રોઉં?
હવે મારે તારા સિવાય 
કોઈનો આધાર નથી!


આ પંક્તિઓ ગંગાને જ ઉદ્દેશીને લખાઈ છે પરંતુ આ પંક્તિઓમાં કૌશિકરાયનું પોતાનું સ્પંદન પણ નજરે પડે છે. અહીં ભાષા અને વિરામચિહ્નો દ્વારા પણ સરસ કામ લેવામાં આવ્યું છે. 
ગંગાના જ્વાજ્વલ્યમાન સ્વરૂપને રજૂ કરવા ઘણાં વિશેષણો પ્રયોજાયાં છે પરંતુ નીચે મૂકું છું એ બે પંક્તિએ મારા મતે ગંગાના ખૂબ સુંદર સ્વરૂપને ઉજાગર કર્યું છેઃ 


આવી કીર્તિ અને સ્વતંત્રતા 
તારા વિના સંભવ જ નથી. 


અહીં કદાચ કાવ્યનો આગળનો સંદર્ભ નથી મૂક્યો મેં છતાં પણ આપ આ પંક્તિઓને પામી શકશો તેમાં મૂકેલાં – કીર્તિ અને સ્વતંત્રતા – શબ્દ દ્વારા.  ગંગાના જીવનને ઉજાગર પંક્તિઓ જૂઓ

તું કહે, બધાં માટે
આવો સૌહાર્દ, સંતાપ અને સખ્ય,
તારા સિવાય બીજું કોણ કરે છે? 


અહીં સૌહાર્દ, સંતાપ અને સખ્ય શબ્દ દ્વારા કવિએ જાણે ગંગાના સમગ્ર જીવનને સમાવી લીધું. સૌહાર્દ એણે ભગીરથ માટે દાખવ્યું અને પછી માનવ માત્ર માટે દાખવે છે, યુગોથી. સંતાપ તેણે સહન કર્યો શાંતનું અને પુત્રો તરફના પ્રેમનો. અને સખ્ય તેણે ભોગવ્યું અને એ પણ કોનું? મહાન વૈરાગી, મહાકાલ, શિવનું. જ્યાં પોતાનું અસ્તિત્વ વહાવી દીધું. જૂઓ, કૃષ્ણ સાથે રાધા બોલાય છે, પરંતુ અપાર સખ્ય હોવા છતાં ક્યાંય શિવ સાથે ગંગા બોલાય છે? શિવે ફક્ત તેને ધરણી પર ઉતારવા માટે સાથ નથી આપ્યો. પણ તમે જોશો એ ઘટનાને એક અલગ દૃષ્ટિકોણથી તો સાંખ્યશાસ્ત્રના દૃષ્ટા એવા શિવે એના ધસમસતા પ્રવાહમાં ક્યાંય ખોવાઈ ન જાય એ માટે એક ઠહેરાવ આપ્યો ને ઠહેરાવ આપીને એના પ્રવાહને સંતુલીત કરીને એને વહેવા દીધી. સામે ગંગાએ શું સખ્યધર્મ નિભાવ્યો? શિવના વૈરાગ્યને શાતા આપવા એના કાંઠે સંસારથી વૈરાગ્ય લેનારા સૌને પોતાના અંકે કરી લીધા. અહા! શું સમર્પણ. 

તારું આ જળરૂપી શરીર
અમારું સૌભાગ્ય છે,
અને એ જ અમારા 
બધા પરિતાપને દૂર કરે છે!

આ અને બીજી એક પંક્તિ...

હવે હું ક્ષણભર પણ 
તારાથી વિમુખ ન થાઉં! 

આ બન્ને પંક્તિઓમાં કવિ ગંગા પ્રત્યે અપાર પ્રેમ પ્રગટ કરે છે. આ ઉપરાંત તેતાલીસમું પદ સંપુર્ણ સાધ્યાંત છે... 


હે ગંગા!
ખીલેલા ફૂલોની સુગંધથી
જનપદમાં વ્યાપેલા
આસક્ત અને મૂઢોનો પણ 
ઉપહાસ કરવાવાળા,
પોતાની ગંધથી
ભાતભાતના ભ્રમરોને 
પવિત્ર કરવાવાળા,
તારા તટેસ ઊભેલા
વૃક્ષસમુહો
મારા સહવાસી મિત્રો છે
હું પણ એને જ આધીન છું
તારો કાંઠો જ
એથી મારો નિવાસ છે

આ ઉપરાંત ઓગણપચાસમું પદ પણ ધ્યાનર્હ છે...


હે ગંગા!
તું જન્મમરણથી પીડાતા
અનેક સંતપ્ત આત્માઓ અને પ્રાણીઓને
તારા પ્રસન્ન રૂપથી
તારા અમૃતપ્રવાહમાં સમાવી લે છે
એવી કુરુરાજ શાંતનુની
ચિત સ્વરૂપ સખા,
તારા અકલિત વિસ્તાર વડે 
તું મારું પણ કલ્યાણ કરજે. 

આમ ગંગાલહરીમાં બહુ લાલિત્યપૂર્ણ રીતે એટલે કે કૌશિકરાય એમના સ્વભાવ અનુસાર આપણને ગંગાના દર્શન કરાવે છે. હવે, ચાલો શબરી પાસે...


શબરીબાઈનાં પદ...

પ્રતિક્ષાના સ્વરૂપરૂપ શબરીનું અહીં તેના મૂળસ્વરૂપ સાથે સાથે વર્તમાન સંદર્ભોમાં પણ એક નિરાળું રૂપ લઈને કવિ આવે છે. રામ સાથેના સ્નેહભીનાં તંતુઓને કવિએ કાવ્યો દ્વારા સરસ રીતે ખોલી આપ્યાં છે. થોડાં ઉદાહરણો સીધાં જ મૂકું છું વધુ આસ્વાદ્ય રહેશે...


તમારું નામ પડતાં
હું ફરી ફરી ગૂંથાઉં
જાણે મારા શ્વાસ મણકો
અને 
તમે બેરખો, રામ...


***

બધાં કહે
તું તો વે’મીલી થઈ છે કે પછી
તને લાગ્યો કોઈ વળગાડ?
હવે તમે જ કહો રામ,
મારાથી મોટું છે કોઈ બડભાગી?


અહીં બડભાગી શબ્દો મૂકી અને કવિએ પ્રેમને અને કાવ્યને બન્નેને એક ઉંચાઈ આપી છે. 
ચોથું પદ જબરું સંવેદન ઝીલે છે. હું અહીં આખું ઉતારીને તમારી સામે મૂકવા માટે લલચાવ છું જેથી તમને આ કાવ્યસંગ્રહની સંપદાનું ભાન થાય...


રામ!
જેમ ઝાડ ફરતી
વેલ વીંટળાય, 
એમ
જંગલ ફરતી હું!
આખું જંગલ જાણે, કે
શબરી  ને બકરી,
બેઉ સરખાં!
એક બપોરે નદીએ
પાણી ભરવા ગઈ. ને-
ઝૂંપડી ઢારો
થયો સંચર
હું તો ભાગી,
કે નક્કી તમે!
પડી ભફ્ફ કરતી હેઠી!
પછી તો માંડ માંડ
રામ રામ કરતાં 
થઈ બેઠી.
ઝૂંપડીએ જઈ જોયું,
તો તો
મારી જેમ પડેલાં
પાંદડાંના ખોખામાંથી
સરકતો જોયો અજગર!
ગોખલામાં કર્યો દીવો,
ને નામ તમારું રહી રટતી...


જોયું, ને છેને બાકી સંવેદન સાથે તળપદા શબ્દો દ્વારા જે સૃષ્ટિ અને સ્પંદન ઉભું કર્યું છે તે અતિવ આનંદ અપાવે એવું છે. 
બે પંક્તિ આ કાવ્યસંગ્રહમાં એવી ભાળી કે એ વાંચીને પહેલા યાદ આવ્યો રામ મોરી અને પછી યાદ આવ્યા કવિ વિનોદ જોશી, તમે પણ માણો...


હું તો ગોરમટું કરેલા
ફળીયા જેવી ચોખ્ખી. 


વાહ... 


******

બસ જેને ચાહીએ
એને કદી તરછોડીએ નહીં
કદી ખોઈએ નહીં ખાતરી
એના વયના ભલેને જીવીએ
ઝૂરી ઝૂરી!
અહા... કેવું રૂપાળું પ્રેમનું બયાન... 

*****

તળપદા શબ્દો સાથે ભાષા પાસેથી કૌશિકરાયે ખૂબ સરસ કામ લીઘું છે... માણો એક ઔર પંક્તિ...

એને મારા હેવા,
મારે એનું વેન.


*****

તમારું હોવું
એ મારા જીવતરનો મોભ


*****

તમે મને 
નામથી બોલાવોને એક વાર!

અહાહા...., પ્રેમની કેવી ઉતકૃષ્ટ અભિવ્યક્તિ ખરેખર તો સંવેદનની નાજુકાઈ..., એક અને વાર વચ્ચે જગ્યા મૂકીને જબરું સ્પંદન ઉભું કર્યું છે. 

*****

હજુ એક એવી પંક્તિ જેમાં એકતરફી પ્રેમની ઉંચાઈ...

જુઓ, આમાં એકે નથી ગુલાબ!
કેમકે હું નથી ઈચ્છતી
તમારી સાથે
કોઈ એકરાર કે અધિકાર,
બેમાંથી કાંઈ!
હું તો રાજી
તમને આવતાજાતા જેઇને. 

*****

મને ખાતરી હતી, 
અહીંથી નીકળતાં
તમે મને
નહીં ભૂલો, કદાપિ!
અંધારું થયા પહેલાં
જરૂર આવશો

આ પંક્તિઓમાં – અંધારું – શબ્દ બે અર્થછાંયા તરફ અંગુલી નિર્દેશ કરે છે એની પણ મજ્જા છે. 

*****

અને હવેની પંક્તિમાં મજ્જા જૂઓ સમજાજીવન અને શિક્ષણપદ્ધતિ પર થયેલા કટાક્ષની...

રામ!
વનમાં 
વાટકીવે’વાર મોટો!
કઠિયારા મને કંદમૂળ આપી જાય
અને છાસ પીતા જાય, 
હું તાપસી બાપુને ફૂલડાં વીણી દઉં
અને કવલી ગાયનું દૂધ લેતી આવું!
આમ સૌ સૌનો હાથવાટકો,
કોઈ કોઈને તરછોડે કે છોડે નહીં!
મૂળ તો ભણતર નહીં,
એટલે કોઈ ગણતર નહીં!

*****

સાથે રહે;
કોઈ કોઈનાં સગાં નહીં,
એટલે દગા પણ નહીં!

*****
 
છેલ્લા પદોમાં શબરીની સમર્પણની ઉંચાઈ અને પોતાના પામવાની મર્યાદાની સમજ ટોકાઈ આવે અને એમાં કવિના કાવ્યકર્મની ઉંચાઈ પણ પામી શકાય એમ છે. 

હું તમને ચાહું નહીં,
પણ તમારી ચૈંતા કરું!

તમારું સપનું ન આવે, 
બસ રોજ તમારું ઓસાણ!

******

મારી આટલી મૂડી તમારી પાસે,
અને તમારા નામની થાપણ મારી પાસે!
જાવ તમે સુખેથી,
તમારી ખુશીમાં જ મારી ખુશી!

*****

બસ, અહીં અટકું... બાકીનું તો આપ આ સંગ્રહને વાંચીને પામી શકો તો વધુ સારું. કૌશિકરાય સાહેબના શબ્દો સાહિત્યિક રાજકારણથી અભડાયા નથી. વધુ તો એટલે પામી શકાય છે આ જણને. એમની નિતાંત શુદ્ધ સાહિત્યિક આનંદયાત્રાનું પરિણામ છે કે એમની વિદ્વતા આમને આમ આપણને મળતી રહે અને નવા નવા આયામો છપાતા રહે... શુભેચ્છા...
આ પુસ્તકો પ્રાપ્ત કરવા માટે...
સાયુજ્ય પ્રકાશન, વડોદરા -  9998003128
કવિનો સંપર્ક – 9925424674

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow