મૃણાલિની સારાભાઈ: જીવન, નૃત્ય અને વિચારો
Mrinalini vikram Sarabhai Life Dance biography Antarnaad Quotes

Mrinalini vikram Sarabhai Life Dance biography Antarnaad Quotes
મૃણાલિની સારાભાઈ: જીવન, નૃત્ય અને વિચારો
- આનંદ ઠાકર
"હું માણસજાતના ભવિષ્ય વિશે ગાંભીર્યસભર નાનાવિધ મતમતાંતરો સાંભળું છું. વિચારોની આપ-લે કરું છું, ત્યારે મને લાગ્યા કરે છે કે આપણે આપણાં જ કારનામાંનાં ગુલામ છીએ. ખાસ કરીને યંત્રોનાં, મશીનના, જાણે હાથનાં કર્યા હૈયે વાગ્યાં એવું. જોકે મેં તો પાશ્ચાત્ય શિક્ષણને જાકારો આપેલો. મારા મૂળિયાંની ખોજ દ્વારા ઓળખની અવિરત મથામણને કારણે હું તો આમ પણ અતરાપી જેવી જ લાગું."
આ ઉદગાર છે ભારતના શ્રેષ્ઠ નૃત્યાંગના મૃણાલિની સારાભાઈના. મૃણાલિનીજીનો જન્મ 11 મે 1918 ના રોજ કેરળમાં થયો હતો. આમ, જોઈએ તો આપણે એમની 106 મી જન્મજયંતિ ઉજવી રહ્યાં છીએ. 21 જાન્યુઆરી 2016 સુધી સદેહે રહેલા મૃણાલિનીજી 97 વર્ષ સુધી માભાદાર જીવ્યા અને શાનદાર વ્યક્તિત્વ રહ્યા. આવું એટલે કહું છું, કારણ કે ઘણી વખત આપણે અમુક મહાન વ્યક્તિત્વના કાર્યો અને એમના હૃદયની વિશાળતા ભૂલી જઈએ છીએ, ત્યારે સમાજે એમને યાદ કરી એમને વાચવા વિચારવા જોઈએ. એમ કરીને આપણે એ ચેતનાને પુનઃ જાગૃત કરીએ છીએ.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગરિમા બક્ષી
આપણે ગુજરાતીઓ અત્યારની પેઢી કદાચ ખૂબ ઓછાં આમને જાણતાં હોઈશું પરંતુ મૃણાલિનીજી એ શાસ્ત્રીયનૃત્યને દરિયાપાર લઈ જઈ, ભરતનાટ્યમ્-ને સજીવન કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરિમા બક્ષી છે. ન માત્ર એટલું પરંતુ ગુજરાતમાં ઈ. સ. ૧૯૪૮માં એમણે અમદાવાદમાં નૃત્ય, નાટક, સંગીત અને કઠપૂતળી કલાના જતન સંવર્ધન માટે 'દર્પણ' અકાદમીની સ્થાપના કરી. ઈ. સ. ૧૯૪૯માં એમણે પૅરિસમાં પેલે ડ શાઈયો ખાતે કાર્યક્રમ આપ્યો અને છવાઈ ગયાં, પૅરિસના વિવેચકોએ એમને એકસૂરે વધાવી લીધાં. તે ઘડીથી એમણે ભારતીય કલા અને સંસ્કૃતિને જ્યાં-જ્યાં પોતાની મંડળી સાથે ગયાં ત્યાં ત્યાં જીવંત રાખ્યાં અને પ્રતિષ્ઠિત કર્યાં.
ગુજરાતી કનેક્શન
જો કે હજુ અદકેરું ગુજરાતી કનેક્શન એવું રહ્યું છે કે ભારતના મહાન વિજ્ઞાની જેના અસ્તિત્વ વગર ભારતની વિજ્ઞાનક્ષેત્રે આજની ઉડાન આટલી શક્ય નહોતી એવા વિક્રમભાઈ સારાભાઈ સાથે તેઓ ઈ. સ. 1942 માં લગ્નગ્રંથિથી જોડાયા હતાં. એમના કલા અને વિજ્ઞાનની આ જોડીએ ગુજરાતને તો ઘણું આપ્યું પરંતુ સમગ્ર ભારત એમના યોગદાન માટે એમને યાદ કરે છે. મલ્લિકા બહેન અને કાર્તિકેય ભાઈ - જેઓ પણ આજે દેશ માટે ખૂબ સરસ કર્યો કરી રહ્યા છે - એમના સંતાનો છે.
પેરેન્ટિંગના પાઠ
હજુ એમને યાદ કરવાનું એક કારણ કે એમનાં બહેન કેપ્ટન લક્ષ્મી ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝના આઝાદ હિંદ ફોજમાં મહિલા પાંખના કેપ્ટન હતાં. એમના પિતાજી સુબ્બરામ સ્વામીનાથન સાથે મૃણાલિનીજીને બાળપણથી સંવેદન સભર નાતો. તેમની માતા અમ્મુ સ્વામીનાથન એક સ્વાતંત્ર્ય સેનાની હતા એટલું જ નહિ પરંતુ ઓલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના પ્રમુખ હતા. એટલે પિતા તજજ્ઞ વકીલ અને માતા પ્રબુદ્ધ રાજનીતિજ્ઞ આ બંનેના સંતાન તરીકે એમનો ઉછેર થાય અને તેમનો વિકાસ થાય એ સ્વાભાવિક છે પરંતુ આપણે આમાંથી એ બોધપાઠ લેવાનો છે કે ખાલી પેરેન્ટિંગના પાઠ ભણવાથી કશું થતું નથી પરંતુ કુવામાં એટલે કે માતાપિતામાં પણ એટલી કાબેલિયત હોવી જોઈએ. બીજો પાઠ એ લેવાનો છે કે સંતાનોને મુક્ત વાતાવરણ મળવું જોઈએ.
મૃણાલિનીજી સારાભાઈ નહોતા બન્યા તે પહેલાં....
મૃણાલિનીજી સારાભાઈ નહોતા બન્યા તે પહેલાં: જે પરિવારમાં શિક્ષણ અને સંસ્કારનું સામ્રાજ્ય હતું એવા સમૃદ્ધ સ્વામીનાથન પરિવારમાં એ જન્મ્યાં. ચેન્નાઈના આ પરિવારમાં વિદ્વાનો અને નામાંકિત સજ્જનો અને સન્નારીઓ વારંવાર અતિથિ થઈ પધારતાં. બાળપણથી જ એ નૃત્ય અને નાટ્યપ્રવૃતિને ચાહતાં પરંતુ એની સભાનતા એમને શાંતિનિકેતનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના સાંનિધ્યમાં એમના માર્ગદર્શન અને પ્રોત્સાહન તથા એમનાં જેવાં જ મિત્રોના સહવાસમાં આવી. ત્યાં એમનો અંતરનાદ ગુંજ્યો કે એમનું જીવનકાર્ય શું છે? શાંતિનિકેતન જેવી સંસ્થા જો જીવનકાર્ય માટે ન પ્રેરે તો બીજું કોણ પ્રેરે! ઉપરાંત રવિદ્રનાથની ત્યારે સદેહે ઉપસ્થિતિ હતી.
ગુરુદેવ ટાગોરનાં નૃત્ય નાટકોમાં એમની આંતરિક અને અમાપ ઊર્જાશક્તિને સર્જનાત્મક પ્રયોગશીલતાનો ઢાળ મળ્યો. અહીં જ એક ઓળખ મળી અને એ મહોરી ઊઠ્યાં. પછી તેઓ અમેરિકાની અમેરિકન એકેડેમિ ઓફ ડ્રામેટિક્સ આર્ટ્સમાં અભ્યાસ કરીને ટુંકાગાળામાં જ એ ફરીથી ભારત આવ્યાં અને ગંભીરતાથી શાસ્ત્રીય નૃત્યકલામાં કારકિર્દી માટે પ્રતિબદ્ધ થયાં. અહીં ભરતનાટ્યમ્ સાથે એમણે કથકલીની દૈવી ઊર્જાનો સમન્વય કર્યો અને પોતાના નિર્માણમાં એનો વિનિયોગ કરતાં રહ્યાં. આ સમય દરમ્યાન વિક્રમભાઈ એમને મળતાં હતા.
સારાભાઇ પરિવાર
સારાભાઇ પરિવાર એ સમયનો ગર્ભશ્રીમંત પરિવાર હતો. કાપડની મિલો ઉપરાંત અન્ય ઉદ્યોગો પણ ચાલતા હતા. એ પરિવારમાં વિક્રમભાઈ એક વિજ્ઞાની તરીકે વિકાસ કર્યો. વિક્રમભાઈએ એમના ધનનો ઉપયોગ અનેક એવી સંસ્થાઓ બનાવવામાં કર્યો કે જેના થકી દેશ રળિયાત છે. તેમાં મૃણાલિનીજીનું આગમન કલાના નવા દ્વાર ખોલે છે અને પરિવારથી લઈ અને દેશ વિદેશના અન્ય કલાકારો અને મહાનુભાવો આ પરિવાર સાથે જોડાયા.
મૃણાલિનીજીએ નૃત્યમાં અનેક નવતર પ્રયોગો કર્યાં. એમના જીવનમાં નૃત્યનું એક અનોખું સ્થાન રહ્યું હતું. તેઓ પોતાની આત્મકથા ‘અંતરનાદ’ ની પ્રસ્તાવનામાં લખે છે કે નૃત્ય કે અન્ય કોઈ પણ અભિવ્યક્તિ એ વ્યક્તિના અંતરસત્ત્વથી પ્રગટતો તણખો છે જે બાહ્યજગત માટે એક સ્વરૂપ છે.
આત્મકથા ‘અંતરનાદ’ માંથી કેટલાંક અવતરણો...
એમની આત્મકથામાં અનેક પ્રસંગોએ અને એમના લખાણમાં અનેક વાક્યોમાં જીવનની ફિલસૂફી સમાયેલી છે. હું એ લોભ નથી મૂકી શક્તો કે એમના મહત્વના ઉદગારો આપના સુધી પહોંચાડું. શક્ય હોય તો આવી વિભૂતિના પુસ્તક સુધી પણ પહોચવું જોઈએ. અહીં એમના કેટલાંક અવતરણો :
∆ જિંદગી એટલે ફક્ત હયાતી જ નથી. પ્રત્યેક ક્ષણે જીવંત હોવું. પ્રત્યેક પરિસ્થિતિમાં જીવવું એ જીવન છે.
∆ આ ભૌતિક પ્રગતિવાદી સદીમાં સાર્વત્રિક એકતા વિષયક શીખ બાળપણથી જ આપવી જરૂરી છે. નાનાં ભૂલકાંને વરસાદી ફોરાં, વિશાળ આકાશ, અંશથી બ્રહ્માંડ વિશે વિચારવા, માણવા તરફ વાળવાં જોઈએ. પ્રત્યેકને આંતરબાહ્ય સમ્યક્ દૃષ્ટિ કેળવતાં શીખવવું જોઈએ. અંદરના અને બહારના અવકાશ અને આકાશને, પોતાના પરિવેશના સૌંદર્યસ્વરૂપ માટે અને કદરૂપાપણા માટે પણ સજાગ, સતર્ક વૈશ્વિક નાગરિક બનતાં શીખવું જોઈએ.
∆ નૃત્ય માનવજાતનું મૂળભૂત સ્વયંસ્ફુરિત અભિવ્યક્તિ સ્વરૂપ છે. અનાદિકાળમાં અગ્નિની ફરતે મરાતા અસંખ્ય અસંબધ્ધ ઠેકડાથી લઈ આજપર્યંતના સુફિયાણા ને પ્રોત્સાહિત સ્વરૂપ સહિત અન્ય સર્જનકાર્યો પણ અકળ અનુભૂતિ જ છે.
∆ સાહિત્ય, નૃત્ય કે નાટક બલકે બધી જ કલામાં પ્રોત્સાહન જ અંતિમ ફળશ્રુતિનું સદાબહાર પ્રેરક તત્ત્વ છે. પરંતુ એ સ્ફુરણા પણ વર્ષોના અધ્યયન, ઊંડા જ્ઞાન અને તપશ્ચર્યાનું પરિણામ જ હોય છે.
∆ પરંપરા એ સંસ્કૃતિનું એક પાસું છે. કલાશાસ્ત્રમાં પરંપરાવાદી હોવું એટલે જેણે કાળ સામે ટક્કર ઝીલી પોતાની પ્રમાણભૂતિને જાળવી રાખી એની શાસ્ત્રીયતાને ઓળખવી.
∆ વર્ષોનાં વર્ષો સુધી લોકો મને સતત પૂછતા રહ્યા, 'નૃત્ય તમારા માટે શું છે? સામાન્યતઃ મારો પ્રત્યુત્તર હોય છે, ‘એ મારો શ્વાસ છે, ઉત્કટતા છે, હું છું.’
એમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ કરનારા બકુલા ઘાસવાલા લખે છે કે એમની આત્મકથા એવા લોકો પ્રત્યેની આદરાંજલિ છે જેમણે એમનું જીવન અને કારકિર્દીનું ઘડતર કર્યું છે. ઉપરાંત પોતાની આંતરિક તાકાત, નિજી ઝંખનાનો અહેસાસ અને જેનો હંમેશાં વિજય થયો છે તેવા અંતરનાદની ગુંજ બનીને આપણી સમક્ષ આવે છે. સદ્નસીબે જન્મ અને લગ્નથી મળેલ મેઘા અને સમૃદ્ધિથીયે વિશેષ પૂર્ણતાની એમને ‘અંતરનાદ’ની પ્રતિબદ્ધતાને કારણે પ્રાપ્તિ થઈ છે એવો સૂર આ પુસ્તક દ્વારા સ્પષ્ટ થાય છે.
મૃણાલિનીજીએ ભરતનાટ્યમ, કથકલી બંનેને આત્મસાત કરેલાં. કેરળમાં તો પ્રથા છે કે બાળકને નૃત્ય શીખવવું. તેઓ માને છે કે નૃત્ય જીવન અને શરીરમાં પણ લય આપે છે. આપણે ત્યાં ગુજરાતમાં એવી પરંપરા નથી અને આજે પાશ્ચાત્ય નૃત્ય તરફનો ઝુકાવ વધતો ચાલ્યો છે ત્યારે આ પરંપરાગત નૃત્ય એ સંસ્કૃતિ અને સભ્યતાનું દ્યોતક છે જેને આપણે ફોલો કરવું જોઈએ. આવનાર પેઢી કે આપણે ભલે શીખી શકીએ કે ન શીખી શકીએ ઓછામાં ઓછું એનાથી આપણે અવગત તો જરૂર હોવા જોઇએ.
-
આનંદ ઠાકર
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






