walk in the night: send, open, show, reply....
આવ વચ્ચેનો કશો રસ્તો મળે તો શોધીએ
એકસરખા દિવસો પણ તારા નથી, મારા નથી!
- 'જયુ' સોલંકી
***
Send...
Open...
Show...
Replying....
આ બધું યંત્રોના અલ્ગોરિધમ સાથે સાથે એક ભાવનાત્મક સંવેદન બનતું જાય છે. કોઈ પણ મેસેજિંગ એપ પર આ પ્રક્રિયા બહુ ચીવટથી બતાવે છે. એમાં પણ જો તમે ગમતી વ્યક્તિ સાથે વાત કરતા હોવ તો તમે મોકલેલા મેસેજના આ બધાં સ્ટેટસ તમને ટીનએજ બનાવી મૂકે છે!
યંત્રની જ માયામાં યંત્રવત્ દિવસો નીકળતા જાય ત્યારે વચમાં એપ વારંવાર જોઈ ને ' એણે ' મેસેજ જોયો કે નઈ? - એ સંવેદન કોઈ પણ વયના વ્યક્તિને ચુરમાના લાડુ જેવી મજા આપે છે.
'જયુ' સોલંકીની આ રચના વાંચી અને રાતે લગભગ નવ વાગ્યાની આસપાસ મારી શેરીમાં ચાલતો હતો તો પારિજાત મઘમઘી રહ્યું હતું. થોડે દૂર અપરાજિતાના ફૂલો પણ ખીલ્યાં છે. પણ, આ બંને ડિસેમ્બર સુધી. પછી બંનેના દિવસો પૂરા. ફરી વસંતના છડીદાર થઈને આવશે. પારિજાતની વાત નઈ, આવે પણ ને ન પણ આવે.
સવારે નીકળું ત્યારે પારિજાત, વૃક્ષની નીચે ઢગલો થઈને પડ્યા હોય, એનો ડાળને વળગીને રહેવાનો સમય પૂરો થયો હોય છે! એ પારિજાતના કેસરી - સફેદ રંગછાયા પર અપરાજિતાના બે ચાર ફૂલ ઉડીને પડે છે ને જાણે કેસરી - સફેદ શૅડ પર વાદળી ફૂલો એને નજર ન લાગે એમ ટપકું કરીને બેઠા હોય!
હવા એ સમય છે, નિયતિ છે, એ એનું કામ કરે જ. મનમસ્તિષ્કમાં જે છવાયેલું હોય એના માટે તમારા વિચારોનું જ બળ મહાન હોય કે તેના સુધી પહોંચવા હવા દિશા બદલે છે! હા, પછી ત્યાં ટકી રહેવા અને દિવસો સરખા ન હોય પણ સ્નેહ સરખો હોય તો મઘમઘી જવાની રસમ તમારી હોય છે!
દિવસ બદલવાની અને રસ્તાઓ મળવાની વચ્ચે, પારિજાત ઊગવા ને ખરવાની વચ્ચે, 'જયુ' સોલંકીના એક શેર અને શબ્દના સંવેદન વચ્ચે... વિયેતનામના કવિ હો ચી મિન્હ -ની રચના યાદ આવે છે ને કોઈ સૂતા સમયે પ્રાર્થના કરે એમ હું એ કવિતા રોજ યાદ કરું છું:
તું અને હું, આપણે બંને, પૂરેપૂરા સંકળાયેલા આ એક ધ્રુવસત્ય,
સ્પષ્ટતાની કોઈ વજૂદ નથી.
તારી અસ્મિતા તારા હૃદયમાં ફૂલો ખીલવે, જેથી હું સુંદર રહી શકું.
મારી ચેતના અંતરના કચરાને ફગાવી દે,
જેથી તને કોઈ યાતના ના થાય.
હું તારો અને તું મારો આધારસ્તંભ.
મારા વતી તને શાંતિ મળે, તારી વતી મને આનંદ મળે.
- હો ચી મિન્હ
(અનુ. અલકા દેસાઈ-શર્મા, ' संगच्छध्वम् ' માંથી)
આ કાવ્યમાં કેટલી કોમળ અનુભૂતિ, અભિવ્યક્તિ અને સમર્પણ!
રાત જામે છે.
આદત અને વળગણ ખલીપામાં સરકાવી દે કાં પ્રતીક્ષામાં અને એમ સવારે હું જોઈશ ત્યારે મારે ત્યાં રુએલિયાના ફૂલો પર ઝાકળના બિંદુઓ હશે. ફૂલના હાસ્ય સાથે ઝાકળના રુદનનો સંજોગ કોઈની વિશ્રંભ કથા કહેતી આંખોની યાદ અપાવીને દિવસોને સરખા કરવા મથે છે!
ફૂલો અને શબ્દો કેટલું સંવેદન જગાડી જાય, એ તો જ્યારે હૈયાથી એની પાસે બેસી અને એ ઊઘડે ત્યારે ખબર પડે!