walking in the rain love life river...
આજે આછો અનેરો વરસાદ ચાલુ હતો. થયું ચાલો થોડું ચાલીએ વરસાદમાં. નીકળ્યો. દૂર નારિયેળીના ખેતરોમાં નારિયેળી પર પડતો વરસાદ જાણે સ્વાદ લેવાઈ રહ્યો હતો. દૂર ખેતરો લીલાંછમ, તદ્રુપ થઈ રહ્યાં હતાં!
વરસાદ એક સ્વાદ અને અવસાદ બંને લઈને આવે છે. ધરતીને, નદીને ને દરિયાને વરસાદ ઝીલતા જોવાં એ એક લાહવો છે.
હું જે રસ્તે ચાલતો હતો એ ડામર ને સિમેન્ટનો હતો પણ એનામાં પણ એક ચેતના અનુભવી, લાગે છે એ સ્વચ્છ થવાની હશે! એવામાં વરસાદ ધોધમાર ચાલું થયો.
રસ્તા પર જતાં વાહનો પુલની નીચેના કોરાડામાં કેટલાં બાઈક થંભી ગયાં. મોટાભાગે પુરુષો હતા. મેં એક નજર નાખી અને જોયું: લગભગ બધાના ચહેરા અને ભમ્મરો ખેંચાયેલી હતી. કેટલાક વિચારોમાં હતા, કેટલાક મોબાઈલમાં, પણ હા. મોબાઈલમાં હતા એ પણ કંઇક તંગ ચહેરામાં હતા. હું ઘણું જોવાનું જતું કરીને ત્યાંથી નીકળી ગયો. વરસતા વરસાદમાં મારી ચાલવાની યાત્રા ચાલું રહી, એ દૃશ્ય મારા મનમસ્તિસ્કમાં રહ્યું ને થયું આ બધા પુરુષોના મનમાં કેટલાં વરસાદ અને અવસાદ હશે!?
ઘણું ઘણું યાદ આવ્યું પણ બધું ખંખેરી ને બહાર બધું તરબતર ને અંદર વિચારોની લીલોતરી વચ્ચે હું વરસાદની ઠંડક લેતો ચાલી રહ્યો હતો. રસ્તાની આગળ પાછળ હું એકલો જણાયો અને કોઈ ' પાગલ ' કહે એનું મનમાં મલકાતો નદી સુધી પહોંચ્યો.
વિચારો ઋતુ જેવા છે અને ક્યારેક સંજોગો બને છે કે અંદર અંદર વિચારોના વાદળાંઓ બંધાય છે અને ગોરંભાય છે. ઉકળી ઉઠાય એવો ગોરંભ રચાય છે અને આખરે તૂટી પડે છે; પહેલાં ઝરમર વરસાદ જેવા વ્યવસ્થિત અને પછી ધોધમાર કે વિચારવું અઘરું થઈ જાય.
હું વરસાદની ઋતુમાં એક વાર તો ચોક્કસ દરિયા પર પડતો વરસાદ અને નદી પર પડતો વરસાદ જોવા જાઉં. નદી સ્થિર થઈને વરસાદ ઝીલે છે, છલકાય છે, મલકાય છે ને વધી પડે તો બે કાંઠે થાય છે. દરિયાને મોટાભાગે કશો ફરક પડતો નથી બધું અંદર અંદર વલોવાયા કરે છે ને કિનારે મોજાં ફેંક્યા કરે છે. પર્વત વરસાદમાં અવધૂત જેવા છે. કોઈ સ્વાદ નહિ કોઈ અવસાદ નહિ!
પાછો વળું છું ત્યારે મારી સામે આકાશમાં એક વાદળી ચડી છે ને મને ઝબકે છે એક વિચાર કે દર ચોમાસે વાદળી ગત ચોમાસે અધૂરી મુકેલી વાર્તા પૂરી કરવા આવતી હશે અને એ વાર્તાની ખુશી લીલોતરી થઈને ફેલાઈ જાય છે ને માયુસી ઝરણાં બનીને ઢોળાય જાય છે.
વિચારોના ભરચક વરસાદ વચ્ચે આપણે એટલું જ કરવાનું કે આ આકાશ, વાદળ, નદી, ઝરણ, લીલાશ, અંધકાર, ઉજાસ, દરિયો, આ બધું જોઈ અને એમાં વરસ આખાનું વરસી જવાનું, ખાલી થઈ જવાનું.
જરૂરી નથી કે પહેલો વરસાદ જ વધાવવા જેવો હોય, ઋતુમાં વચ્ચે વચ્ચે આવી પડતાં વરસાદ પણ જીવનમાં આવનારી કેટલીક સુખદ ક્ષણો જેવા હોય છે.
સૌ સૌને પોતિકો
વરસાદ મુબારક...