સત્યભામા: રામ મોરી લિખિત નવલકથાની રત્નકણિકાઓ...
Satyabhama raam mori ajay nayak book review krushn dwarka

Satyabhama raam mori ajay nayak book review krushn dwarka
સત્યભામા: રામ મોરી લિખિત નવલકથાની રત્નકણિકાઓ...
- અજય મો. નાયક
( એક્ઝિક્યુટિવ એડિટર, સંદેશ )
આજે અહીં રામ મોરીની નવી નવલકથા ' સત્યભામા ' વિશે વાત કરીએ...
અદભૂત...અદભૂત...અદભૂત....
ઘણાં લાંબા સમય પછી આવી કથા વાંચી. અમીષ અને દેવવ્રત પટનાયક કરતાં ઘણી ઘણી સારી.
સામાન્ય રીતે હું એક સાથે 3-4 પુસ્તક વાંચતો હોઉં છું પણ 'સત્યભામા' હાથમાં લીધી ને પછી એને મૂકી શક્યો નહીં.
સ્વભાવિક છે કે સત્યભામા વિશેનું આલેખન છે એટલે શૃંગાર, સૌંદર્યનું નિરુપણ વિશેષ હોય પણ સાથે રાજનીતિ, કૂટનીતિ પણ છે.
કથા અને પાત્રોની સૃષ્ટિમાં રામભાઈએ કેવા પ્રાણ પૂર્યાં છે એ તો આપ કથા વાચશો ત્યારે જ અંદાજ આવશે પણ અહીં મેં આખી કથામાંથી મને ગમતા કેટલાંક વાક્યો અલગ તારવ્યા છે, જે અહીં પ્રસ્તુત છે.
સત્યભામા નવલકથા માંથી રત્નકણિકાઓ...
- દરેક યુધ્ધ રણમેદાનમાં નથી યોજાતા.
- માણસના મન સાથે પ્રેમ થાય, મોભા સાથે નહીં.
- કૃષ્ણ કહે છે કે શ્રધ્ધા વિનાના સ્નેહનું કોઈ મૂલ્ય નથી.
- જેમ પ્રેમ એટલે માત્ર પ્રાપ્તિ નહીં એમ વિરહ એટલે માત્ર વૈરાગ્ય નહીં.
- પ્રેમનું અંતિમ લક્ષ્ય પામી લેવું છે એવું કોણે કહ્યું? શું મિલનનો અર્થ માત્ર મળવું થાય છે કે એકબીજામાં ભળવું થાય ?
- સ્વીકારભાવ સાથે ત્યાગ પણ આપોઆપ જોડાઈ જાય છે.
- કેટલાંક અધિકાર મળે નહીં, લઈ લેવાના હોય.
- મનુષ્યને સત્તાનો અધિકાર શાસક નહીં, ભાગ્યના દેવતા આપે છે. માણસ જ્યારે અન્યના અધિકાર પર તરાપ મારે છે અને કશું પ્રાપ્ત કરી લે છે ત્યારે એ પ્રાપ્તિ પર દેવતાઓની કૃપા અદ્રશ્ય થઈ જાય છે. ભાગ્યને કોઈનો ભય ન હોય.
- પરમાત્માની કૃપા જ્યારે માણસ માટે અહોભાવ કરતાં અભિમાન બને ત્યારે આસુરીવૃત્તિ જન્મ લે છે. આવા લોકોને વાસ્તવિકતાનું ભાન કરાવવું રાજધર્મનું કર્તવ્ય છે, નહીંતર એ સમય દૂર નથી જ્યારે પોતાની આવડતોના આધારે માણસ પોતાને શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ સમજશે. સ્વયંને સમાજ, રાષ્ટ્ર અને ધર્મથી પણ વિરાટ સમજશે.
- સંપત્તિને હવામાં ઉછાળવી એ તો વૈભવનો વિકાર.
- કાળ સાક્ષી છે કે મનુષ્ય જ્યારે સૌનું ભૂલીને માત્ર પોતાનું વિચારશે ત્યારે સૌથી પહેલાં પ્રકૃતિ કોપશે.
- સન્માન જીતી નથી શકાતું, કમાવું પડે છે. અન્યનો અનાદર એ આદર જીતવાની સૌથી નબળી રીત છે.
- પરમપિતા પરમેશ્વરના આંગણે સૌ કોઈ એકસમાન. સંપત્તિ અને વિદ્વવતાના પ્રભાવથી નહીં, તમારી આસ્થા અને ભક્તિના આધારે ઈશ્વર તમને હ્રદયમાં રાખે છે. ન જાતિ, ન ધર્મ, ન લિંગ, ન વર્ણ કોઈ ભેદ નથી. પરમાત્માના મનમા.
- ભગવાન સૌનો છે અને સૌ ભગવાનના. સૌનો સ્વીકાર એ પરંપરા જ સનાતન છે.
- જીવનમાં બધાં જ તમને આદર આપે એવું જરૂરી નથી. એ તમારું લક્ષ્ય પણ ન હોવું જોઈએ કે બધાં તમને ચાહે, શક્ય જ નથી.
- એક ભદ્રપરંપરા છે કે બહેન અને દીકરીના ઘરસંસારમાં પોતીકી પિયરમર્યાદા સાચવીને રહેવું. આવવું, મળવું અને કુશળમંગળ જાણીને તરત વિદાય લેવી. દીકરીના સંસારમાં બહુ હસ્તક્ષેપ ન કરવો એમાં જ સાસરિયાનું સન્માન છે.
- સંપત્તિ કદાચ સુખ સુધી પહોંચવાનો માર્ગ છે, પણ એ સુખ તો નદી જ.
- ભ્રમ ભાંગીશ તો બ્રહ્મ સુધી પહોંચીશ.
- સ્વકેન્દ્દી સુખ સરવાળે પતન નોંતરે છે. જો માત્ર સ્વયંનું કલ્યાણ થાય એવા સુખની કામના કરીએ તો અંતે દુ:ખ જ પ્રાપ્ત થાય છે. સુખ સામૂહિક હોવું જોઈએ. ઈશ્વર કૃપાની જેમ. સુખ પર કોઈ એકનો અધિકાર ક્યારેય ન હોઈ શકે.
- મારી તો શ્રધ્ધા જ કૃષ્ણ છે.
- તમારી રાજનીતિ, તમારી કૂટનીતિ, તમારા ષડયંત્ર કે તમારી મહત્વાકાંક્ષાઓ પરંપરાથી મોટી ન હોઈ શકે.
- સમય બધું સ્પષ્ટ કરી દે છે. દરિયાની જેમ સમય પણ કશું સંઘરતો નથી.
- મૌન ગુણ છે પણ પરિસ્થિતિના આધારે મૌનની યોગ્ય જગ્યા ગુણીજનોએ જાતે નક્કી કરવાની છે. કોઈનું અહિત થતું હોય અને સત્કર્મી જીવને સંતાપ થતો હોય ત્યારે ધારણ કરેલું મૌન મહાપાપ છે.
- જીવનમાં યોગ્ય સમય ક્યારેય આવે નહીં, આપણે ઊભો કરવો પડે.
- પ્રતીક્ષાથી પ્રેમ થશે તો પુરુષોત્તમ મળશે અને સંભળાશે વાંસળીના સૂર.
- અવસર મલે નહીં તો ગૂંથી લેવાનો.
- કૌરવોને શસ્ત્ર હોય ત્યાં શાસ્ત્રમાં કોઈ રસ નથી, જ્યારે પાંડવો શાસ્ત્રને સમજીને શસ્ત્ર ઉઠાવે છે.
- મૃત્યુ કેવળ યોધ્ધાનું નથી થતું, મૃત્યુ એના પરિવારના સુરક્ષિત ભવિષ્યનું, કૌટુંબિક સુખનું અને એકબીજાના ટેકે જીવન જીવી જવાની આશાનું પણ થતું હોય છે.
- મનુષ્યની પ્રકૃતિ છે કે એ પ્રશ્ન ત્યાં જ પૂછે છે જ્યાં એને મનગમતો જવાબ મળવાની અપેક્ષા કે ખાતરી હોય.
- ગુણીજનો અને સાધુજનોનું મૌન અશુભનો સંકેત છે.
- પ્રાપ્તીનો પણ થાક તો હશે જ.
- માણસ ગમે એટલો સામર્થ્યવાન બનશે પણ કાળને જીતી નહીં શકે.
- મનુષ્ય એકમાત્ર એવી પ્રજાતિ છે, જેને શત્રુની આવશ્યકતા નથી. એ પોતે જ પોતાનું નિકંદન કાઢવા પૂરતો છે.
સત્યભામા, રામ મોરી.
- અજય મો. નાયક
( એક્ઝિક્યુટિવ એડિટર, સંદેશ )
Satyabhama raam mori ajay nayak book review krushn dwarka
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






