कैसे तुम्हें रोका करूँ ... - ના પ્રદેશમાં
Tamasha movie agar tum sath ho inspiration love

कैसे तुम्हें रोका करूँ ... - ના પ્રદેશમાં
એક પુરુષ જ્યારે કોઈ ગમતી સ્ત્રીની પ્રેરણાથી એના ખુદના સપનાંને સાચા કરવા દોડી પડે ત્યારે આપોઆપ પુરુષ એની સફળતા પછી એ સ્ત્રીને નમી પડે છે. અહીં લિંક મૂકી છે એ વિડિયો જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવશે....
https://youtube.com/shorts/-Td9Y_NQhmY?si=pSvvVSYq7sDn8c4q
આ વીડિયોમાં આપેલ દૃશ્ય છે તમાશા ફિલ્મનું.
જિંદગી પ્રવાહિત રાખવાના બે જ રસ્તા છે:
એક તમે જે ઈચ્છો છો એ મેળવવા શક્ય એટલું લડી લો. બીજું બધું ત્યાગી દો.
તમાશા, રોકસ્ટાર અને જબ વી મેટ જેવી ધારદાર ફિલ્મ બનાવનારા ઈમ્તિયાઝ અલીનું એક ઇન્ટરવ્યૂ હમણાં જોયું અને એમાં એમણે એમ કહ્યું કે તમાશા ફિલ્મ જોઈને કોઈએ કહ્યું કે યે ફિલ્મ બહુત પહેલે બનાની થી, અબ તો બહુત દેર હો ગઈ....
હોય શકે, મને હંમેશા એવું લાગ્યું છે કે તમાશા ફિલ્મ સમય પહેલાં બની છે. એમાં એક ટીનએજરની ફિલિંગ છે, એમાં એક જવાબદાર પુરુષની મુશ્કેલી છે અને એમાં એક પોતાના સપના માટે મથતા અને એ મથામણમાં એક પ્રેરણારૂપ સ્ત્રી મળી જાય અને એ હિંમત કરી નાખે છે જીવન સામે લડવાની, આ કહાની છે અને આ ફિલ્મ ઇમ્તિયાઝની કલ્ટ ફિલ્મ છે ને રહેશે કારણ કે આમાં વાર્તા મહાન છે.
તમે જુઓ એબ્સર્ડ સાથે ઘટના અને એની સાથે અનેક વાર્તાઓના સંદર્ભો... કોણ આવી ફિલ્મ બનાવે? એક એક દૃશ્ય અને એક એક સંવાદ ફિલ્મમાં છપાઈ ગયા છે.
તમાશા ફિલ્મ 2015માં આવી એટલે 9 વર્ષ થયાં અને રોકસ્ટાર ફિલ્મ 2011 એટલે 14 વર્ષ થઈ ગયાં. રોકસ્ટાર તો જાણે કે એક જુદા જ પ્રદેશની કથા...
सौ दर्द बदन पे फैले है,
हर करम के कपडे मेले है
આ કરમથી મેલા થયેલા કપડાં અને સો દર્દને બદન પર ઝેલી લેવાની કથાનો પ્રદેશ. જુનન - પાગલપનની કથા.
આ બંને ફિલ્મો એના માઈલ સ્ટોન સ્થાપી ચૂકી છે એટલી એની કહાની અહીં નથી કહેતો પણ આજે એટલા વર્ષે પણ જ્યારે આ ફિલ્મનું 'વાચન' કરું છું તો સ્તબ્ધ થઈ જાઉં છું!
વાત એટલી જ છે કે કઈ રીતે જીવનમાં કોઈને રોકી શકાય?!
ફરી ફરીને તમાશા ફિલ્મનું એ દૃશ્ય યાદ આવે કે કહાનીકાર તરીકે શૉ કર્યા પછી સામે એની પ્રેરણાને જોઈ અને તેને વંદન કરી બેસતો પુરુષ કેટલો રૂડો લાગે છે. શા માટે આવા પણ સંબંધ ન હોય?! બસ, કોઈ સ્ત્રી કોઈની માત્ર પ્રેરણા બનીને ન રહી શકે? એને પત્ની કે ગર્લફ્રેન્ડ બનાવવી જ પડે?! ઇન્દ્રિયોના ઉછાળા અને જાહેરાતો જેવી લાગતી અઢળક ફિલ્મો વચ્ચે આવી ફિલ્મો પાસેથી શીખીને સમજે વિજાતીય સંબંધો માટે હજુ પાકટ બનવાનું બાકી છે.
વાર્તા જીવનને પ્રવાહી રાખે છે નહિ તો સમાજ જીવનના પ્રવાહમાં ચેકડેમ બનાવવાનું કામ કરે છે: તમારો જીવનપ્રવાહ અટકી પડે. વાર્તા અધૂરી રહી જાય! વાર્તા લખો કે વાર્તા જીવો બસ,બે જ વિકલ્પ છે! બહુ ભાગ્યશાળીને એ ત્રીજા વિકલ્પની પસંદગી મળે છે કે તમે કહાની લખી પણ શકો ને જીવી પણ શકો ને જતાવી પણ શકો!!!
पल भर ठहर जाओ
दिल ये संभल जाए
कैसे तुम्हें रोका करूँ ....
તમાશા અને રોકસ્ટાર બંને ફિલ્મ નિહાળવી એટલે જાણે अगर तुम साथ हो ના અફસોસ માંથી ઊભા થઈ અને कैसे तुम्हें रोका करूँ - ની કોશિશના પ્રદેશમાં નીકળી પડવું! અને ત્યાંથી માંડ શબ્દો નીકળે છે કે...
कहा था तुमने
लिखेंगे कहानी साथ में
आ भी जाओ कि
अधूरी कहानी तुम्हारी प्रतीक्षा में
ख़ामोश राह पर खड़ी है।
- આનંદ ઠાકર
What's Your Reaction?






