મા-બાપ ન હોવા એટલે શું? આ જવાબ સમજાવતી કથા...
karnlok story about orphanage house children by dhruv bhatt gujarati story
karnlok story about orphanage house children by dhruv bhatt gujarati story
Book Review : કર્ણલોક - ધૃવ ભટ્ટ
‘પર’પીડાના પ્રદેશમાં ‘સ્વ’ પ્રવેશ એટલે કર્ણલોક!
મા-બાપ ન હોવા એટલે શું? આ જવાબ સમજાવતી કથા...
દરેક માણસ પોતે બનાવેલી માનસિક દુનિયાના ભ્રમમાં રાચે છે. સત્યની સામે આવવાની તેથી જ તો તેવડ નથી રહી. સર્જક એક એવો વ્યક્તિ છે કે જે સમાજના ભોંરિંગ પાસે ભ્રમની કાંચળી કઢાવી નાખે છે અને પછી સામે આવે છે તે સત્ય.
થોડી ક્ષણો માટે મેં વાચેલા સત્ય માટે મારે શું લખવું તે વિચારું છું અને કિ-બોર્ડ પર આંગળી અટકી જાય છે. નંદુ અને નામ વગરનો કથાનાયક કે પછી દુર્ગા મારા માનસપટ પર આવી જાય છે અને કહે છે આપણે બધા કોને વળગેલા છે? સમાજ કોણ છે? તમારું નામ પણ જ્યાં ઓગળી જાય એવી દશામાં એક પા માણસો રહે છે અને બીજી પા તમે ધર્મ, જાતિ, જ્ઞાતિ, અટક, ગોત્ર....ની ભ્રામિક દુનિયામાં રાચી રહ્યા છો? કદાચ આવું વાક્ય દુર્ગાએ જ મને કહ્યું. અને હું એ વાક્ય સાંભળતો હતો ત્યારે નામ વગરનો કથાનાયક દૂર ઉભો ઊભો મરમાળું હસે છે અને એની સાથે જાણે કે મારા કહેવાનો અર્થ આ નથી એવું મિખાઈલ નેમીનું વાક્ય દોહરાવતા લેખક પણ ત્રાંસી નજરે હસતા હોય એવું લાગે છે.
રાતે કથા પૂરી કરી અને જ્યારે સુતો ત્યારે ધ્રુવ ભટ્ટની કોઈ કૃતિએ મને ઉદાસ નથી કર્યો માત્ર બ્રહ્માનંદ સહોદર આનંદ આપ્યો છે પણ આ કૃતિએ મને અંદરથી વલોવ્યો છે. હું પણ એ અનંત આદિ પેઢીને વિચારતો થઈ ગયો છું, જે નંદુ દુર્ગા માટે કહેતો કે દુર્ગા નનામા કથાનાયક ને કહેતી. કદાચ વાચકની આ દશા જ લેખકની (કથાની) સંપ્રાપ્તિ છે.
આપણા ભજનો – લોકગીતો કે પ્રાચીન સંતોની વાણી આપણને જગાડી દેતી એવી વાણી લઈને એક પછી એક પારપૂર્વ સમસ્યાઓને લઈને ધ્રુવ ભટ્ટ નામે પરાવાણીના પૂજારી આપણી સામે નવલકથા રૂપે લઈને આવે છે.
મામાનું ઘર છોડીને ભાગેલો અનાચનક મા-બાપ વગરનો થયેલો કથાનાયક જે અનાથાલયમાં આવી પડે છે, ત્યાં તેને જગતનું સત્ય નજરે ચડે છે. કહો કે સત્યને પામે છે. નંદુ કહે છે ને કે તારે જોવાનું જ છે. અનુભવની વિશાળ દુનિયામાં પોતાપણાને શોધવાની વાત કરી છે.
ત્રણ ધારે કથા પ્રવાહ ચાલે છે. એક બાજુ અનાથાલયની જગતના ઓળાઓ ન અડી શકે એવા અંધારામાં પાંગરતી દુનિયા. જ્યાં કોઈએ ત્યજેલું, તરછોડાયેલું, રખડતું, ભટકતું બાળક આવી ચડે છે. એની રહેવાની દશા કથાનાયકના નજરે જોઈએ તો આપણે આગળ કથા ન જ વાંચી શકીએ એટલી વિદારક છે. લેખક લખે છે જેમ વાસણ વીછળાઈ તેમ નાના બાળકોને બે ટબમાં ઝબોળી દેવામાં આવે છે એને નવડાવ્યું કહેવાય છે.
નાના બાળકો છે છીછી-પીપી કરે છે એમાં જ પડી રહે જ્યાં સુધી આયાને કંઈ કરવું ન હોય ત્યાં સુધી. બાળકેન્દ્રી નહીં પણ સ્વકેન્દ્રી સંચાલકો. આવા નરકમાં બે સ્વર્ગવનના સાધુડાઓ નંદુકાકા, રસોયા છે પણ બાળકોને અનાથ નહીં પણ ઈશ્વરનું રૂપ માને છે. ને દુરગી(એટલી વાહલી લાગે કે આપણને પણ દુર્ગા ને બદલે દુરગી જ કહેવાનું મન થાય.) સંચાલકોએ બાળકોના ભાગનું ગમે ત્યાં સંતાડેલું હોય, ત્યાંથી લાવી, લડી ઝગડી ને પણ બાળકો સુધી પહોંચાડે. પણ આ બધા વચ્ચે રાહુલ નામના છોકરાને કોઈક પોતાને દત્ત લે, તેને પણ કોઈક ગાડી લઈને આવે અને લઈ જાય એવી વાતો એક નાના છોકરાની કાલીઘેલી ભાષામાં બોલે છે ત્યારે આપણી વિચારશ્રૃંખલા ઘડીભર અટકી જાય છે. મા-બાપ ન હોવા એટલે શું? આ પ્રશ્ન ન તો વાચાથી, ન મનથી, ન મગજથી આપી શકાય એવો છે. સ્વર બહેરો થઈ જાય છે.
બીજી ધારા આ કથાપ્રવાહની છે કથાનાયકની પ્રગતિના પગથિયા. કથાનાયક અનાથાલયમાં આવી તો ચડે છે, પરંતુ તેને હંમેશા થાય છે કે એ આ સ્થળ માટે નથી. તે બેસી નથી રહેતો પોતાને અનાથ નથી ગણતો અને એટલે જ સર્વનોનાથ તેને મદદ કરે છે. તે બેસી ન રહેતા કામ કરે છે. સાઈકલ સ્ટોર કરે છે. તેનું કામ જોઈને મોટા ઉદ્યોગપતિ તેને નવું કામ પોતાની કંપનીમાં આપે છે. આખરે તે સ્વતંત્ર કંપની બનાવે છે અને શ્રીમંત બની જાઈ છે. આખર સુધી પરણતો નથી અને નથી તો કથાના અંત સુધી જાહેર થતું તેનું નામ....
કથાનાયકને ન પરણવામાં કથાપ્રવાહની ત્રીજી ધારા કારણભૂત છે. દુર્ગા અને કથાનાયક વચ્ચે ચાલતા સંબંધસેતુની ધારા. એ પ્રેમ નથી. એ સંબંધને સંબંધસેતુ સિવાયનું કોઈ કામ મને સૂઝતું નથી. પ્રેમના પેરામિટર્સની બહાર હોવા છતાં બન્ને એકબીજા માટે છે એકબીજાના છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, ને છતાં એકબીજાના હોવાપણાનો ક્યાંય ભાર નથી. સંબંધ ભારેખમ બનતા નથી પણ જેમ સેતુબંધના પથ્થરો દરિયાના પાણીમાં હોવા છતાં તરે છે તેમ મૂળકથા પ્રવાહમાં આ બન્નેનો સંબંધસેતુ તરે છે. ક્યાંય એકમેકના થઈ જવાની ઘેલછા નથી. બસ સાથે રહ્યા ત્યાં સુધીનું સુખ અને જ્યારે સાથે નથી ત્યારે એકબીજાના મનમાં એકમેકને સુખી થવાની દુવા.
બહુ વાસ્તવિક જગતની પરિધમાં ચાલતો સંબંધ જ્યારે દુર્ગાના અનાથાલયમાંથી પાલિતાણા વિદાય થાય ત્યારે ટ્રેનની બારીમાંથી કહેવાતા બે શબ્દો ‘બસ ત્યારે...?’ અને આ પાછળનું પ્રશ્નાર્થ બન્નેના સંબંધને વાસ્તવિકના પરિધમાંથી દૂર દુન્યવીવર્તુળને પાર કરીને આત્મિક સંબંધની શરુઆતમાં મૂકી આપે છે. કેવો મનોહર ભાવ! ‘બસ ત્યારે...?’માં એકમેકના ન થઈ શકવાની ફરિયાદ છે અને સાથે રહીને સંઘરેલા સ્મરણોનો ઉત્સવ બની જાય છે. આવું પ્રેમનું નવ્ય રસદર્શનધ્રુવ ભટ્ટની કલમે જ માણવાનું ગમે.
ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લની પ્રેમની ગઝલો માટે કહે છે ને કે સંયમમાં પ્રેમનું આલેખન રમણિય બને છે. એ વાક્ય ધ્રુવ ભટ્ટની કલમે પણ એટલું જ સાર્થક છે. લેખકે રસ ઉભો નથી કરવાનો પણ વાચકના મનમાં એ રસને ઉદ્ભવવા દેવાનો છે જે તેના દુન્યવીકામમાં ભૂલી ગયો છે. વાહ... સાધુ સાધુ....
કથાના અંતમાં દુર્ગા નથી મળતી પણ દુર્ગાએ પાળીપોષીને મોટા કરેલા ગોમતીનો છોકરો મોહિન્દર અને અનાથાલયની કરમી મળે છે અને એ રૂપે દુર્ગા જ મળે છે.
નિમુબેન અને જીભાઈની દુનિયાને ફરીથી બનાવીને જાણે દુર્ગાને જીવતી કરવાની વાત અને દુર્ગા સાથેના સ્મરણો સાથે જીવવાની વાત જ પ્રેમની સંપ્રાપ્તિ મળી જવામાં નહીં પણ આગળ જવામાં છે તે ઈંગિત કરે છે. આપણે મળીએ, ભળીએ, સાથે હોવાનો આનંદ રંગેચંગે માણીએ અને છૂટા પડવા ટાણે કોઈ ફરિયાદ ન રહે અને બન્નેના હૈયામાં એકમેક જીવતા રહે એ જ પ્રેમ.
કશા સંબંધ વગરની દુનિયામાં સંબંધોના તાણાવાણા રચતી અને આખરે દુન્યવી સંબંધોને અતિક્રમી જવાની વાત કરતી કથા આપણને આપણા હોવાપણાની સાબિતી ‘દુર્ગાઈ’ થઈને માંગે છે ત્યારે આપણે પેલી કવિતાની જેમ ગેંગેંફેંફેં થઈ જાય છે “હેં...હેં...હેં... શું...શું...શું...”
બસ આખરે થોડાં વાક્યો જેમના તેમ કથામાંથી જે વાંચીને હું(ધ્રુવ ભટ્ટની કથાઓ વાચ્યાં પહેલા ‘હું’ લખતા વિચારતો હવે તો કાયદેસર મન જ નથી થતું, ‘હું’ એવો ભાવ લખતા) વિચારતો થઈ ગયેલો....
- જીવન દરમિયાન માણસ કેટલુંક જતું કરે છે, કેટલુંક માંડી વાળે છે અને કેટલુંક છોડી દે છે.... આમાંથી કઈ બાબતને ત્યાગ કહી શકાય તે હું હજીયે સમજી શક્યો નથી. એ સમજવા માટે માણસે જીવનભર જે કંઈ ગુમાવ્યું કે છોડ્યું છે અને એ જે કંઈ પામ્યો કે મેળવ્યું છે તે બધા પ્રત્યે. તેણે અનુભવેલા ભાવોને પૂરી તટસ્થતાથી સમજવા પડે.
- નર્યા વર્તન પરથી માણસને માપવો તે ભૂલ છે.
- આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદું પણ ઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઈનો ન્યાય આપણે ન કરવું જોઈએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ આવે છે. નજર સામે જે થાય છે તેને જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને કે તે ઘડીથી આપણે કોણ અને કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.
- માણસને કાયદા ઘડવાની જરૂર ઊભી થઈ એ ઘડી મહાપીડાની ગણાવી જોઈએ.
- શા કાજે તેણે કોઈ નિશાળામાં બેસીને કશું શીખવું પડે! શા માટે તેણે કશું વાંચવું પડે. શા કાજે ગુરુ પાસે જઈને ઉપદેશો લેવા પડે? અરે, આ જ તો એ લોકો છે જે જગતને શીખતાં શીખવે છે.
- દુનિયાના દરેક કળાકારને એક વખત તો સમજાય જ છે કે કુદરત પોતાને જેવું રૂપ લઈને બેસવું છે તેવું રૂપ નજરે, કલ્પનામાં કે સપનામાં બતાવે છે. પછી કળાકાર સરજવા બેસે ત્યારે એણે હાથે એને પોતે જોયેલા રૂપથી જુદું નિપજવાનું શી રીતે? આ વાત જે વહેલો જાણે છે તેણે પછી કંઈ કરવાનું રહેતું નથી. મોડું જાણે તે લાંબું ચીતરે.
- મનમાં સૂઝ્યું તે કરે એવા જણ આ ધરતી પર કરોડોમાં એકાદ થાય. એ વિરલ જનોએ સાચું ખોટું કે પાપ પુન્ય વિશે વિચારવાનું પણ શા માટે હોય?
- માણસજાતને માથે હજારો પીડાઓ ભૂલીને પણ આનંદથી જીવવાનો શાપ છે.
- તું હજારવાર મથીશ તો યે પીડાની સીમાનું વર્ણન તારાથી થઈ શકવાનું નહીં. દરેકની કંઈક હોય તેમ આ તારી મર્યાદા રહેવાની. રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કરણ ને જ નહીં, માણસમાત્રને માથે આ શાપ છે.
- પાપ પુન્યની વાતો તો આપણે શોધી કાઢી છે. ઈશ્વરે નહીં.
- આબરૂ ને માનપાન એ કંઈ અમારાં નથી. લોકોએ અમને આપ્યાં છે. એમને ગમે ત્યારે પાછાં લઈ લે.
- માત્ર સંન્યાસીને જ પૂર્વ જીવનને ભૂલી જવું પડે છે તેવું નથી. હરીફાઈમાં ટકી રહીને નવું કામ ઊભું કરવા મથતા દરેકે પૂર્વાશ્રમની સ્મૃતિઓને ખૂણામાં ધકેલી દેવાની હોય છે.
Book Review karnalok by dhruv bhatt gujarati story
#DhruvBhattBooks
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






