કલા-કવિતા-કલ્પનાનો ચૈતસિક તાલમેલ એટલે ‘અનુરનન’…!
Anuranan movie Rahul Bose rituparna raima love friendship relationship

Anuranan movie Rahul Bose rituparna raima love friendship relationship
કલા-કવિતા-કલ્પનાનો ચૈતસિક તાલમેલ એટલે ‘અનુરનન’…!
એક સ્વર્ગની તમે ક્યારેય કલ્પના કરી છે? જેમાં બસ તરબતર પ્રેમ હોય અને ક્યાંય વિષાદ હોય તોય પ્રેમનો, આનંદ હોય તો ય પ્રેમનો એને એ પણ પ્લેટોનિક શબ્દ વાપરવા કરતાં હું કહીશ કે આ સુખ માટે કોઈ નામ દેવું હોય તો અજય સરવૈયાની વાર્તાનું નામ આવા પ્રેમને આપી શકાય ‘નામ વગરનું સુખ’. ખરા અર્થમાં તમે આ ફિલ્મમાંથી પસાર થાઓ અને કલાનો જીવ તમે હોય કે ન હોય પણ જો સ્હેજસ્હાજ પણ જિંદગી સાથે લવ-હેટના રિલેશન હોય, મૃત્યુ સાથે પ્રેમ હોય અને પ્રેમ આપનારું હૃદય હોય તો આ ફિલ્મમાં તમને એ બધું મળશે. સેક્સની બહાર એક દુનિયા ઉભી કરીને બેસેલો એક વર્ગ છે અને એ છે શુચિતાપૂર્ણ પ્રેમ ઈચ્છતો એક વર્ગ. જેના માટે પ્રેમ કરવો એક કળા છે, રોમાંસ એક કળા છે, જેને ‘આર્ટ ઓફ લિવિંગ’ના કોર્સ કરવા પડતાં નથી પણ જેની આંખો ખુદ આર્ટઓફ લિવિંગની અકાદમી છે એવો નાયક જે ફિલ્મમાં ભર્યાભાદર્યા સંસારમાં એકલતાનો ઉત્સવ મનાવી રહ્યો છે. બે નાયિકાઓ છે, બન્ને અતૃપ્ત, કારણો અલગ અલગ, એક અતૃપ્તિનો ભાગ છે આ ફિલ્મમાં તે છે કાચનજંઘાની ભૂમિનો. બીજો નાયક પણ છે, પુરુષના બીજા રૂપ જેવો. ‘ભોગ’ (માત્ર એકલાએ ભોગવવું) અને ‘સંભોગ’ (સારી રીતે અને વળી સાથે, સ્નેહપૂર્વક ભોગવાયેલું) જેવા અંતિમો વચ્ચે ઝોલા ખાતા પુરુષોના બે રૂપ અને સ્ત્રીના બે રૂપ દર્શાવતું સમૃદ્ધ બંગાલી ભાષાનું ફિલ્મ એટલે અનુરણન.
રાહુલનું પાત્ર બજવતો બુદ્ધિમાન એક્ટર રાહુલ બોઝ આપણને તેની કલા દ્રષ્ટિનો પરિચય કરાવે છે. અનિરુદ્ધ ચૌદ્ધરીનો કેમેરો આપણને વિદેશના વ્યવસ્તાબદ્ધ કુદરતી સૌંદર્ય વિશે જણાવે છે, અને ફિલ્મની ગતિમાં તમને તરત ખબર પડવા લાગે છે રાહુલ અને નંદિતા (રાઈમા સેનગુપ્તા) પાસે સુખી દાંપત્ય છે, લંડનમાં નોકરી કરે છે. કંપની કાચંનજંઘામાં એક પ્રોજેક્ટ કરે છે અને ત્યાં ફરી તેને બંગાળ જવાની તક મળે છે. ત્યાં કાચનજંઘાના સૌંદર્યમાં ખોવાઈ જતો કલ્પનામયી માણસ બની જાય છે. પ્રોજેક્ટ જેમનો છે તે અમિતની પત્ની પ્રિતિ(રાઈમા સેન) છે. તે પ્રોફેસરી કરે છે અને સાથે તેને પુસ્તકો સાથે લગાવ છે. તેનો પતિ શૅર બજારના સનસેક્સમાં ખોવાયેલો રહે છે અને તેની પ્રેમ પામવાની ઘેલછા અને કાચનજંઘાના અપ્રતિમ સૌંદર્યને જોવા તે રાહુલ પાસે એકલી દોડી જાય છે. સૌદર્ય જોવાય છે, એ રાતે રાહુલ વધારે પડતો દારુ પી લે છે અને એસિડીટિનો દર્દી હોવાથી તેનું મૃત્યુ થાય છે. સમાજ તેને જવાબદાર ઠેરવે છે, પતિ ય છોડે છે. બધાને સત્ય જાણવા મળે છે ત્યારે તે નસ કાપી લેવા તૈયાર થાય છે. હોસ્પિટલમાં હોય છે, ત્યારે રાહુલની પત્ની નંદિતાને ખબર પડે છે. એકમેકને સમજતી હોવાથી એકમેકનું દુઃખ આંસુથી બતાવે છે. રાહુલ કાચંજંઘાના સૌદર્યમાં આજે પણ પીગળતો રહે છે તેવો ડિરેક્ટરનો કમાલનો કાલ્પનિક અંત છે. બસ, વાત એટલી જ છે. તો શું? ફિલ્મમાં કંઈ જોવા જેવું ખરું? પ્રતિકવાદથી દૂર હટીને જ્યારે ચૈતસિક મનોવિશ્લેષણ પર કૃતિઓ રચાવાની શરૂ થઈ તેનો પડઘો ફિલ્મમાં પણ પડે છે, ફિલ્મ માટે એક ટેક્નિક જ બની જાય છે. વિછિન્ન છતાં કંઈક તરતું-તરતું તમારી સામે આવી પડે તેવું છે આ ફિલ્મમાં. જકડી રાખે છે તેની બોલકી સ્ક્રિપ્ટ રાઈટિંગ કરતાં વધારે સ્ક્રિનપ્લે રાઈટિંગ. ડાયલૉગ કરતાં વધારે મનલુભાવ છે તેના દ્રશ્યો. અર્થની સાથે છે અનંતતા. કેટલાય સ્તર છે આ કથાના. નવા જમાનાના યુવાદંપતિની સમસ્યા છે. નંદિતાને પુત્રપ્રાપ્તિની ઝંખના અને છતાં મેડિકલ ઈસ્યૂ તેના કેસમાં એવો છે કે તે ક્યારેય મા બને તેમ નથી. પ્રિતિને એક રંગીલા રાજકુમારની તલાસ છે. પ્રિતિ બનેલી રાઈમા સેન વિદ્યાબાલનની જેમ આંખોથી અભીનય કરનાર અભિનેત્રી છે. આ ફિલ્મમાં ખરા અર્થમાં તેના અભિનય, તેનું સૌંદર્ય અને તેની આંખોની અદાનગી એક આબેહૂબ ‘અનુરનન’ રચે છે. હાં, તો આપણે વાત કરતા હતા કે તેને છે પ્રેમને પામવાની એક દિલકશ તમન્ના, ખ્વાબ અને ખ્વાહિશને પામવા તે પંખી બનવા ઈચ્છે છે.
પુત્ર પ્રાપ્ત ન કરી શકવાથી નંદિતાના બદલાતા મનોભાવો, ચિડીયાપણું, ખરાબ અસર કરતા સપના વગેરેનો સહારો લઈને નંદિતાની ચૈતસિક મનોદશાનો ચિતાર રજૂ કર્યો છે. સામેપક્ષે પ્રિતિનો મનોવિસ્તાર પ્રેમની સૌંદર્યની કલ્પનાતી વ્યાપ્ત છે. તેને તો સાધવું છે અનુરનન પણ ક્યાંક કંઈક ખૂટે છે આ ખૂટતી ખીલી તેને રાહુલ પાસે ખેંચે છે અને તે જ તેની દુર્દશાનું કારણ બને છે. મનોવિશ્લેષણનો ઝંખનાનો સિદ્ધાંત અહીં જોઈ શકાય છે. બે સ્ત્રીની આ દશા છે તો સામે બે પુરુષ છે, એક પુરુષ છે અમિત જેને પૈસા મહત્વના છે, જેના માટે પત્ની તો ઠીક પણ વૃક્ષના લીલા રંગમાં પણ પાંચસોની લીલી નોટના રંગની ઉત્પેક્ષા કરવાનું મન થાય છે. સામે છેડે રાહુલ છે, જેને માટે સૌંદર્ય સાથે સંવાદ કરવો એ તેના સહજ સ્વભાવનો રણકાર છે. તે કાચનજંઘા જોઈને ઝુમી ઉઠે છે. સ્ત્રીના સૌંદર્યને અને સૌંદર્યમાં સ્ત્રીને પામીશકવાની જબરી કળા તેનામાં છે.
બે દ્રશ્યોમાં કવિતા કંડારાઈ છે આ કવિતાઓ પણ આજના જમાનાની નહીં પણ કહો કે ઉપનિષદોના રસને ઠાલવવાનો પ્રયત્ન કર્યો છે. એક દ્રશ્ય છે કાચનજંઘામાં રાહુલ તેની સાઈટનું કામ કરતો હોય ત્યારે તેને એક સાવ નાની ઉમરનો બૌદ્ધસાધુ મળે છે, તે તેને આંગળી પકડીને લઈ જાય છે, કાચનજંઘાના અલગ-અલગ રૂપ બતાવે છે, ત્યારે તે કહે છે કે આ નિઃશબ્દ છે. ફ્રેમમાં પણ તમે એ નિઃશબ્દને સાંભળી શકો, ત્યાંનો મંદપવન, શિતલ હવા, અનંત અને શાસ્વતિના પ્રતિક રૂપ પ્રકૃતિના દ્રશ્યોમાં જાણે રાહુલની સાથે આપણને પણ આપણા હોવાપણાનો અહેસા કરાવે છે, એ જ તો છે કલાનું ગંતવ્ય. તૈતિરીયોપનિષદ યાદ આવે કે ‘તે એષઃ અંતરઃ હૃદય આકાશઃ, તસ્મિન્નયં પુરુષો મનોમયઃ। અમૃતો હિરણ્યમયઃ।।’ અર્થાત તૈતિરીયોપનિષદ કહે છે આ હૃદયની અંદર આકાશ છે, તેમાં આ વિશુદ્ધ પ્રકાશ સ્વરૂપ અવિનાશી મનોમયપુરુષ રહે છે. આ પ્રતિતિ રાહુલના કાચનજંઘા પર્વતના દ્રશ્યોમાં, પેલા બૌદ્ધબાળકના ચહેરા પર તરવરતી અને ખીણમાંથી ડોકાતી પ્રતિત થાય.
બીજું દ્રશ્ય છે કાચનજંઘાને રાહુલ અને પ્રિતિ જ્યારે રાતના ચાંદનીના અંજવાળે માણતા હોય છે તે. એ દ્રશ્ય જોતાં વખતે મને બંગાળી કવિ રવિન્દ્રનાથની બે પંક્તિ યાદ આવે છે કદાચ મને દૂર-દૂર લાગે છે કે તેના વર્ણનો, સંસ્કૃત સાહિત્યના વર્ણનો કાચનજંઘા પર આધુનિક સ્નેહીઓને બેસાડીને કચકડે કંડારવાની અનુરુદ્ધરાય ચૌધરીની જીદ્દે જ આ દ્રશ્યો રચાયા છે. રવિબાબુની પંક્તિ યાદ આવે છે કે ‘હે નારી, તારી અંગુલીઓ નાજુક સ્પર્શ થકી, મારી વસ્તુસંપત સુચરુતાના મધુર સૂર છેડે છે.’ અને ‘તારા મૌનના ગર્ભગૃહમાં મને લઈ જા અને મારા અંતઃકરણને ગીતો વડે છલકાવી દે.’ બોલીવુડમાં આ દ્રશ્ય જો આવ્યું હોત તો નાયક-નાયિકા ગુલઝાર કે તે કક્ષાના કોઈ ગીતકારના શબ્દે ઠુમકા લગાવતા હોત પણ એજ કળાની ખરી મજા છે વાસ્તવિકતાને કલામાં પરિણામવાની કલા.
ખરે કાકા સાહેબ કાલેલકર કહે છે તેમ કલા બહુઆયામી હોય છે. તેમ જ અહીં કહાણીમાં જુદું પોત વણતું કથાનક છે, જે બહુ મોટો કટાક્ષ ઉભો કરે છે. તે છે કે કાચનજંઘામાં ચાલતો રિસોર્ટ પ્રોજેક્ટ, ત્યાનો સ્થાનિક માણસ કહે છે, તમે અહીં રિસોર્ટ બનાવશો અને પછી આ સુંદરતા ડિઝલથી લીંપાઈ જશે. બસ આટલું જ અને બંગાળી નવલકથાકાર વિભૂષણ બંદોપાધ્યાયની ‘આરણ્ય’ નવલકથા યાદ આવે, ગુજરાતી નવલકથાકાર ધ્રુવ ભટ્ટની ‘અકૂપાર’ નવલકથા યાદ આવે. એક બિહારના જંગલનું સૌંદર્ય દર્શાવે છે અને બીજામાં ગીરનું સૌદર્ય છલકાઈ છે. પણ વાસ્તવિકતા એ છે કે આ સૌંદર્યને જોવા માટે લોકો ત્યાં આવશે, રહેશે, તેને હટાવીને ત્યાં આવાસ બનાવશે તો ત્યાં સૌંદર્ય જોવા મળશે નહીં. વિચારતા કરી મુકનાર વાત આ ચૈતસિક પ્રવાહની જેમ રસવંતી વાર્તામાં પોતાનું સ્થાન જ્યારે સહજ રીતે ઉભું કરી લે ત્યારે સ્ક્રિપ્ટરાઈટિંગ અને એડિટીંગને દાદ દેવાનું મન થાય.
આ ફિલ્મનું સંગીત પણ ઘણું કહી જાય છે. કાચનજંઘામાં જ્યારે કેમેરો જાય એટલે સંગીત પણ અલૌકિક અનુભૂતિ કરાવે તેવા રિષભના સૂર છેડે છે. કલકત્તામાં કેમેરો દોડતો હોય કે કલકત્તાને ઉજાગર કરવાનું હોય ત્યારે બાઊલના લોક સંગીતના સૂરો તમને દુહા, છંદ અને રાવણહથ્થાની યાદ અપાવે છે. લંડનની ગલીઓમાં પાત્ર સાથે ઉપસતું સંગીત રાવણહથ્થાથી હજારો મીલ દૂર ગીટારની ટ્રમટ્રમાટ ઉપજાવે છે.
જ્યારે આ ફિલ્મને મારે કેમેરાની કવિતા કહેવી હોય ત્યારે મારી પાસે સંસ્કૃતની કૃતિનો પૂરાવો છે. કલા એટલે શું તેના જવામાં ‘ધ્વન્યાલોક’ના રચયિતા આનંદ વર્ધન કહે છે કે – ‘કાવ્યસર્જનની પ્રક્રિયા દરમિયાન કવિ પોતાના સહૃદયત્વ અને સ્વાનુભૂતિના, સંવેદનાના બ ળે વ્યાપક, સ્થૂળ અને સૂક્ષ્મ એવા વિશાળ જીવનની વાસ્તવિકતા માંથી જે ભાવાનુસારી ઉત્કટ, ચેતનામય, શિષ્ટ આકારની ઉત્પ્રેક્ષા કરે, તે કલ્પના’ – આ કલા, આ કવિતા, આ કલ્પના આ ફિલ્મના ઉદાહરણથી સમજી શકાય છે.
‘અનુરનન’નો અર્થ જ છે સારી રીતે એકમેકમાં તાલમેલ સધાવો. બે વાદ્ય વાગતા હોય અને તે બન્ને તાલમાં અને સૂરમાં તાલમેલ થાય અને જે સંગીતની હારમની ઉત્પન્ન થાય તે અનુરનન. અહીં બધા પ્રકારના અનુરણનો પડઘો સતત તમને અનુભવાશે.
- આનંદ ઠાકર
#anuranan #banglamovie #hindifilm
What's Your Reaction?






