આવી વિરાંગનાઓ જ આપણા સમાજજીવનનું સૌંદર્ય છે

Sports & spirit women rupali patel by ankit desai

Jul 14, 2024 - 15:49
 0  6
આવી વિરાંગનાઓ જ આપણા સમાજજીવનનું સૌંદર્ય છે

Sports & spirit women rupali patel by ankit desai

આવી વિરાંગનાઓ જ આપણા સમાજજીવનનું સૌંદર્ય છે

આલેખન - અંકિત દેસાઈ

( રમતના મેદાનમાં નાનું બાળક લઈને ઉતારવા માટે ખરેખર હિંમત જોઈએ. અને એવા રૂપાલી બહેનને જોઈને, જાણીતા યુવા લેખક અંકિત દેસાઈ જે સંવેદન પોતાની અંદર અનુભવે છે અને રૂપાલી બહેનની હિંમત તેમને સ્પર્શે છે એનો ભાવાત્મક આલેખન તેમણે કર્યું છે એ દરેક સ્ત્રી - પુરુષે વાચવા જેવું છે. https://sahajsahity.in/ માટે લેખ આપવા માટે અમે અંકિત દેસાઈનો આભાર માનીએ છીએ. )

સ્વર સાથે તેના સ્કેટિંગના ક્લાસમાં જાઉં ત્યારે છેલ્લાં બેએક અઠવાડીયાથી તેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એક દૃશ્ય મારું ધ્યાન વિશેષ આકર્ષિત કરે. એક સ્ત્રી સ્પોર્ટ્સમેનના કપડાં પહેરીને કોમ્પલેક્ષમાં ફરતી હોય અને તેની છાતીએ તેનું બાળક લટકતું હોય! પહેલી વાર એ દૃશ્ય જોયેલું ત્યારે મનમાં થયું કે કોઈક સ્પોર્ટ્સ લવર હશે. અથવા આજકાલ તો ઝૂમ્બા ને યોગા ને એવું બધુ પણ ટ્રેન્ડિંગમાં છે એટલે પેલા દૃશ્યનું એ પાત્ર પોસ્ટ પ્રેગનેન્સી ઈશ્યુઝ ન થાય એ માટે કદાચ એવું કંઈક ઝૂમ્બા કે યોગ જેવું કરતું હશે.

પણ પછી રોજ એ પાત્ર મારી ઉત્સુક્તા વધારતું જાય. એકાદ દિવસ એ પાત્રના હાથમાં બેડ મિન્ટનનું શટલ લઈને ઊભા હોય અને સામે બે-ત્રણ છોકરાઓને કંઈક સમજાવતા હોય. તો ક્યારેક સર્વિસ કઈ રીતે કરવી એવું કંઈક સમજાવતા હોય. ક્યારેક તે કોમ્પલેક્ષમાં જઈને બેસી જાય તો ક્યારેક તે પાત્ર ખૂણામાં ઊભું રહી બેડમિન્ટનના બીજા કોચ સાથે કંઈક ચર્ચા કરતા હોય. એ બધાયમાં પાછું તેનું બાળક તો સાથે ને સાથે.

આખરે આજે હિંમત કરીને તેમની પાસે ગયો. પૂછ્યું ‘મેમ, મારે તમારી સાથે કંઈક વાતો કરવી છે. વાત થઈ શકશે?’

તો અત્યંત કોન્ફિડન્સની કહે, ‘બોલો બોલો શું છે?’

‘આપનું નામ?’

‘રુપાલી પટેલ.’

‘તમારું આ બાળક, બાળક સાથે સ્પોર્ટ્સમેન જેવો તમારો ડ્રેસ અને કોર્ટ પર બાળકો સાથેનું તમારું ઈન્ટરેક્શન હું ઘણા દિવસોથી ઑબ્ઝર્વ કરું છું.’

‘ઓહ અચ્છા… હું તો અહીં કોચ છું. હાલમાં હું મેટરનિટી લીવ પર છું, પરંતુ હવે મારે કામ જોઈન કરવાનું છે એટલે વિચાર્યું કે કામ શરૂ થાય એ પહેલાં મારા બાળકને આ વાતાવરણથી પરિચિત કરી લઉં… અને હું પણ બાળક અને કોર્ટ બંને વચ્ચે તાલ મિલાવતા શીખી જાઉં…’

Sports & spirit women rupali patel © Ankit Desai[/caption]

ખબર નહીં કેમ, મારા ચહેરા પર સ્મિત પણ આવ્યું અને આંખોમાં સહેજ ભીનાશ પણ. ભીનાશ એટલે આવી કે સંતાન નાનાં હોય ત્યારે નોકરી માટે ઘરેથી નીકળતી સ્ત્રીઓ અને તેમના સંતાનો બંને એક વિચિત્ર પ્રકારનો ઝૂરાપો ફેસ કરતા હોય છે. મેં એ ઝૂરાપો ફેસ કર્યો છે. અને ક્યારેક તો ટ્રાફિકને કારણે વરસાદને કારણે મમ્મીને આવતા સાંજે મોડું થતું તો બહાર ઉતરી આવતું અંધારું અંદર કેવો ખળભળાટ મચાવે એ પણ અનુભવ્યું છે. કદાચ એટલે જ મારી આંખો ભીની થઈ હશે. પણ એ ક્ષણે હું એ નહોતો નક્કી કરી શક્યો કે હું પેલા બહેન સાથે મારી જાતને રિલેટ કરી રહ્યો છું કે એમના બાળક સાથે? કદાચ એ બંને સાથે હું તાદાત્મ્ય કેળવી રહ્યો હતો.

‘આ તમારું પહેલું સંતાન છે?’ મેં કહ્યું.

‘હા.’

‘એટલે એડજસ્ટ થતા થોડી વાર લાગશે નહીં? બધુ પહેલી પહેલી વાર હોય ત્યારે થોડું ઑડ લાગે. મન મક્કમ કરવું પડે… જાતને થોડી તૈયાર કરવી પડે…’ મેં કહ્યું.

‘હા. એટલે જ મારું રેગ્યુલર કામ શરૂ થાય એના પંદરેક દિવસ પહેલાં જ મેં આ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. એટલે કશું અજુગતુ ન લાગે.’

‘તમારા હસબન્ડ?’

‘તેઓ ક્રિકેટ રમે છે ખરા, પરંતુ તેમનું પ્રોફેશન જૂદું છે. તેઓ માર્કેટિંગમાં છે…’ રુપાલીબહેને કહ્યું.

‘મારે એક સ્પોર્ટ્સ કોચને નહીં, પરંતુ માતાને સવાલ પૂછવો છે. એક મા તરીકે તમને એમ થાય ખરું કે હજુ થોડા મહિના રાહ જોઈને, બાળક થોડું મોટું થાય પછી કામ શરૂ કરવું છે?’

[caption id="attachment_4373" align="alignnone" width="252"]Sports & spirit women rupali patel © Ankit Desai[/caption]

‘થાય. આ બાબતે મેં ઘણો વિચાર પણ કર્યો. પણ હવે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું કે આજે નહીં ને કાલે મારે બાળકને મારી સાથે લાવવું જ પડશે. તો હમણાં કેમ નહીં? હવે એના પાંચ મહિના પૂરા થયા. કાલ ઊઠીને તે ભાંખોડીયા ભરશે, પછી દોડતું થશે. આ આખીય પ્રક્રિયા એ મારી સાથે કોર્ટ પર જ કરે તો? મારે એને ત્યારે નવેસરથી બધી ટેવો ન પાડવી પડે…’

તેઓ આવું બોલ્યા ત્યારેય એક ખેલાડીની, એક કોચની સ્પિરિટ તેમની અંદર ઝળકતી હતી. વખાના માર્યા આ કરવું પડે છે એવા રોદણાં તેમની વાતોમાં ન હતા. કે ન તો ‘જૂઓ મને હું તો બાળકને છાતીએ વળગાડીને પણ ગર્વભેર મારું સ્પોર્ટ્સ, મારી કરિઅર સાચવી રહી છું’ જેવો કોઈ અહં. બસ, એક સિમ્પલિસિટી હતી તેમની વાતમાં.

‘તમે કેટલા વર્ષોથી કોચિંગમાં?’ મેં પૂછ્યું.

‘હવે પંદર વર્ષ જેવા થશે. અડધું જીવન આ બેડમિન્ટન કોર્ટ પર પસાર કર્યું એમ કહું તો ચાલે...’ તેઓ હસી પડ્યાં.

‘સ્ત્રીઓની આર્થિક પગભરતા વિશે તમે શું માનો છો?’ ખબર નહીં કેમ, મને માતૃત્વ વિશે કંઈ પૂછવાનું ન સૂઝ્યું અને મેં આવો સવાલ પૂછી પાડ્યો.

પણ રુપાલીબહેન તો ખુશ થઈ ગયા. હસીને કહે, ‘આટલા વર્ષોમાં પ્રેગનેન્સીને કારણે પહેલી વાર થોડાં મહિના માટે એવું થયું કે મારી પોતાની કમાણી ન થઈ હોય. બાકી, અત્યાર સુધીની કરિઅરમાં મેં મારો નિભાવ અન્ય કોઈ પર પણ આધારિત રાખ્યો નથી. બલ્કે મેં ગર્વભેર મારા ઘરને સપોર્ટ કર્યો છે. તમારી વાત સાચી છે. સ્ત્રીને માટે આર્થિક રીતે પગભર હોવું બહુ મહત્ત્વની વાત હોય છે. પગારની રકમ નાની હોય કે મોટી એનાથી ફરક નથી પડતો, પણ પોતે કમાય છે એ બાબત જ તેને આત્મવિશ્વાસ આપે છે.’

તેમનો જવાબ સાંભળીને હું પણ ખુશ ખુશ થઈ ગયો. સ્વરના ક્લાસ પૂરા થવામાં હતા એટલે મારે તેના કોર્ટ પર જવું પડે એમ હતું. તેમણે પણ તેમના બાળકને સહેજ છૂટું કર્યું. એ દરમિયાન મારાથી એમને કહેવાઈ ગયું, ‘હું ઝાલું તમારું બાળક? એવું હોય તો હું બહાર આંટો પણ મરાવી આવું…. મારો દીકરો બહાર સ્કેટ કરે છે…’

તેમણે કંઈ વિચાર ન કર્યો અને તેમનું બાળક મને આપી દીધું. પંદરેક મિનિટ સુધી હું બહાર રહ્યો હોઈશ. પણ તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો. હું તો પંદર મિનિટ સુધી ખરેખર મારું બાળક ન ધીરી શકું!

સ્વર સાથે અમે ફરી અંદર આવ્યા તો અંદરનું દૃશ્ય સાવ જૂદું. તેઓ પોતે કોર્ટ પર આવી ગયાં હતાં અને અત્યંત સ્ફૂર્તિથી બીજા કોચ સાથે રમી રહ્યાં હતાં.

એમને રમતાં જોઈને મનમાં થયું ભલે રમતાં. બાળક કોઈ સાચવે છે એવી ધરપત એમને મન કેવી મહત્ત્વની હશે કે તેઓ આવી સ્ફૂર્તિથી મેદાન પર ઉતરી પડ્યાં? ભલે મને થોડું મોડું થતું. સ્વર સાથે અમે તેમનો સેટ પતે એની રાહ જોતાં રહ્યા અને પેલા બાળક સાથે મજામજા કરી. તેઓ આવ્યાં ત્યારે મેં કહ્યું. ‘તમે સ્ટુડન્ટ્સને કોચ કરતા હો એવા ફોટોગ્રાફ્સ લઈ શકું?’

તો કહે ચાલો. એટલે અમે બધા ફરી એક કોર્ટ પર ગયા, જ્યાં તેમણે આ બધા ફોટોગ્રાફ્સ આપ્યાં. ફોટોગ્રાફ્સ ભલે સાચા કોચિંગના ન હોય, પરંતુ એક વાત મારા મનમાં સજ્જડ હતી એ મહાન સ્ત્રીની હિંમત સો ટચની હતી.

છૂટા પડતી વખતે મેં તેમને સલામ કરી. બે કારણોસર. એક તો આમેય નોકરી કરતી કે પોતાની કરિઅરમાં મથામણ કરતી સ્ત્રીઓ પ્રત્યે મને અત્યંત આદર છે. અને બીજું કારણ હતું બાળકને છાતીએ વળગાડીને કોર્ટ પર આવવાની તેમની હિંમત. જોકે હવે તો સ્ત્રીઓ સંસદથી લઈ કોર્ટ સુધી પોતાના બાળકોને સાથે લઈને જાય છે. કૉલેજોમાં કે ઑફિસોમાં ડે-કેર સેન્ટર પર બાળકોને સાચવતી સ્ત્રીઓના પણ આપણી પાસે તો દાખલા છે. પરંતુ એ બધીય સ્ત્રીઓનું વર્ક પ્રોફાઈલ કદાચ ઊંચા દરજ્જાનું હશે. અથવા એ સ્ત્રીઓના બાળકોને કદાચ ડે-કેરની સુવિધા તો મળતી હશે. પરંતુ આ બહેન બેડમિન્ટન કોર્ટ પર તેમનું બાળક લઈને ઉતરવાના છે! એ કંઈ ઓછી હિંમતનું કામ નથી...

Sports & spirit women rupali patel © Ankit Desai[/caption]

તેમનાથી છૂટા પડ્યા પછીય મનમાં ક્યાંય સુધી રૂપાલીબહેને કબજો જમાવી રાખ્યો હતો. મનમાં થતું હતું કે સાયના નહેવાલ અને મેરી કોમ જેવી સ્ત્રીઓના સંઘર્ષની તો વહેલાં કે મોડા કદર થાય છે. પરંતુ આવી વિરાંગનાઓની આભને આંબવાની મથામણોની કદર થતી હશે ખરી? મને રહી રહીને ઘોડે ચઢેલી રાણી લક્ષ્મીબાઈ યાદ આવતી રહી. આખરે છાતીએ કે ખભે બાળક લઈને ઘરની બહાર નીકળવાની હિંમત બધા પાસે નથી હોતી. એ હિંમત માટે જે કલેજું જોઈએ એ બધા પાસે નથી હોતું. રુપાલીબહેન પાસે એ હિંમત છે.

આવી વિરાંગનાઓ જ આપણા સમાજજીવનનું સૌંદર્ય છે.

આલેખન - અંકિત દેસાઈ

Sports & spirit women rupali patel by ankit desai


અમારી સાથે જોડાવા માટે.... 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow