વિશ્વ કવિતા દિવસે પ્રાદેશિક કવિઓની અનોખી કવિતાઓ... 

World poetry day gujarati poems gujarat poet 

Mar 21, 2025 - 01:27
Mar 21, 2025 - 07:23
 1  143
વિશ્વ કવિતા દિવસે પ્રાદેશિક કવિઓની અનોખી કવિતાઓ... 
World poetry day gujarati poems gujarat poet

World poetry day gujarati poems gujarat poet 

વિશ્વ કવિતા દિવસે પ્રાદેશિક કવિઓની અનોખી કવિતાઓ... 

કવિતા માણસને જીવનનો લય આપે છે. વિશ્વની ચેતના તરફનો પ્રવાહ આપે છે. કવિતા માનવજાતની શબ્દ પર શ્રદ્ધા મૂકવાની પહેલી કડી છે. 

21, માર્ચ એટલે વિશ્વ કવિતા દિવસ. ઈ.સ. 1999 માં યુનેસ્કો દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં ઘોષણા પત્રમાં  લખ્યું છે કે " કાવ્યાત્મક અભિવ્યક્તિ દ્વારા ભાષાકીય વિવિધતાને ટેકો આપવા અને લુપ્તપ્રાય ભાષાઓને સાંભળવાની તક વધારવાના ઉદ્દેશ્ય સાથે, આ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશેષ રીતે રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કવિતા ચળવળોને નવી માન્યતા અને પ્રોત્સાહન આપવાનો છે."

અહીં આજે - 21 માર્ચ 2025 ના રોજ - Sahaj Sahity ટીમ એવું નક્કી કરે છે કે આપણી માતૃભાષાના તળના સર્જકો જેમની  સર્જનાત્મક ભાષામાં હજુ પ્રાદેશિકતા અને નિર્દોષ પ્રસ્તુતિઓ પડી છે ને કોઈ પણ પદ, પ્રતિષ્ઠા કે સાહિત્યની મોટી મોટી વાતો વગર નિતાંત સુંદર સર્જનાત્મક પ્રસ્તુતિ કરી છે એને માણીએ...

અહીં પ્રસ્તુત કવિઓમાં દીપક પેશવાણી જેવા કવિઓ છંદોબદ્ધ ગઝલ રચવા માટે એક પ્રકારની સર્જકીય સાધના કરી રહ્યા છે તો વળી કૌશિકરાય  પંડ્યા જેવા પ્રબુધ્ધ ગુરુ સમાન વ્યક્તિઓની અનુભવજન્ય વાણી આપણને વિચારવા માટે મજબૂર કરે છે. મીરાબેન, ઇન્દુબા, ગીતાબા, હીનાબેન, અશ્વિનભાઈ, જય  વગેરે જેવા સર્જકો સ્વાત: સુખાય સર્જન કરે છે. ગીતાબાની કવિતા બે વાર વાંચવી પડે એવી છે - એક જ અક્ષરનો ફરક મૂકીને ભાષા પાસેથી ખૂબ સુંદર કામ લીધું છે. કાવ્યમાં વાત સામાન્ય છે પરંતુ વાતને મૂકવાની ભાષા પાસેની પ્રાદેશિક કળા સુંદર રીતે અભિવ્યક્તિ પામી છે. 

આદરણીય કૌશિકરાયની કવિતા પ્રેમની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ માત્ર નથી પરંતુ અછાંદસ કે રીતે કવિતા બને એનું ઉત્તમ ઉદાહરણોમાંનું  એક કાવ્ય છે. 

વિશેષ નોંધ - કવિતા દિવસે Sahaj Sahity ટીમ આવો ઉપક્રમ રચે એનો મૂળ વિચાર આદરણીયા ઇન્દુબાનો હતો. એમણે આમાંથી અરધી રચનાઓનું સંપાદન ઇન્દુબાએ કર્યું છે. એ નાતે આજના આ સંપાદનના તેઓ સહસંપાદક છે. Sahaj Sahity ટીમ એમનો વિશેષ આભાર માને છે. 

11 કવિતાઓ છે તો ચાલો, વધુ ન લખતા, આપણે આપણે સૌ માણીએ, મનોમન પઠન કરીએ આ રચનાઓનું અને આ કવિઓને પ્રોત્સાહન રૂપે આપનો બહુમૂલ્ય પ્રતિભાવ આપીએ....

આભાર, સહ... - આનંદ ઠાકર 

કવિતાઓ....



()

જેટલા હપ્તા ભરેલા લોહીથી શણગારના,

એટલા સુખ ક્યાં હું પામ્યો "આપણા" ઘરબારના?

તારા ફળિયા પર મને શંકા રહે છે કેમ કે,

ચોતરફ રસ્તા મળે ત્યાં બહુ બધા વિસ્તારનાં.

બોલ, હું આવું ઉપર કે તું નીચે આવીશ હવે,

કાનને ખૂંચે છે પ્રશ્નો શ્વાસના-ધબકારના.

ખોટાં મોટા કામ થાતાં હોય છે એના થકી,

એટલે આંસુ ગયા એળે ખરું રડનારના.

ભાંગી-તોડી-ભુક્કો કરશો તોય ડેલો નહિ મૂકું,

માટીને  હોતાં  નથી  પ્રશ્નો  કદી  આકારનાં.

હું "દીપક" એ ઓરડો અજવાળવા મથતો રહ્યો,

જેના છત 'ને બારણાં પૂજક હતા અંધારના.

- દીપક પેશવાણી

(

એક સમી સાંજે તારી યાદનું ઝરણું ફૂટ્યું,

રંગો પથરાયા મારા હૃદય પર.

દિલના તાર છેડાયા પંખીના કલરવ સાથે,

મધુર ગુંજન ફેલાયું મારા હૃદય પર.

વાતાવરણ મધૂર બન્યું નવા સંગીત સાથે,

સંધ્યા ખીલી મારા હૃદય પર.

સાંજ ઢળી ગઈ રંગો સમાઈ ગયા,

યાદની છાપ રહી ગઈ મારા હૃદય પર.

--ઇન્દુબા 'રાજલક્ષ્મી' 

****

()

સુખનો ઉબકો જ મહાભીનીષ્ક્રમણ કરાવે છે,

દુઃખને તો માણસ બાળક જેમ પસવારે છે...

આશ્ચર્ય થવું એ જ જીવંત હોવાની નિશાની છે,

સ્થિતપ્રજ્ઞ હોવાના નાટકો અંદરથી રડાવે છે..

હોંશિયાર હોય એ બાળક મટી જાય સદાય,

નિર્દોષતા જ તો એને વડીલ થતા અટકાવે છે..

સોળ સંસ્કારના વિધિવિધાનો પર આશા નથી,

બુદ્ધિઝમનું વળગણ હવે પ્રબુદ્ધને થકાવે છે..

- હિના એમ. દાસા

******

()

એક જૂનો પત્ર મળ્યો છે એનો 

લખ્યું છે કે આપણે મળશું જ. 

પણ અમે કદી ના મળ્યાં 

સાથે જીવ્યાં પણ ઉતર દક્ષિણ. 

કદીક રાતે જાગી જાઉં 

તો એને શોધું પથારીમાં 

લાગે હમણાં જ આવશે ખૂલ્લી બારીમાંથી. 

ક્યારેક કોઈ સુગંધી ફૂલમાં એ ડોકાય 

ક્યારેક મનગમતાં સ્વાદમાં 

ક્યારેક ઝળઝળીયાં પછીની શાતામાં.

હું થાકીને લમણે હાથ રાખી 

મોં છુપાવું 

ત્યારે લાગે કે હમણાં જ એ આવશે 

અને મને કહેશે કે ચાલ મારા કરને વખાણ.

મને સરખાવ પરી સાથે 

મને કહે તું અપ્સરા 

તું મને જોયાં કર જેમ બાળક તાકે છે 

ઘરમાં હરતી ફરતી માને. 

બસ આ એક પત્ર જ 

એની છેલ્લી નિશાની છે મારી પાસે 

એમાંજ એ છુપાયેલી છે 

જેમ વહેંતા જળમાં 

બાજેલો છે શેવાળ.

             - કૌશિકરાય

*****"

()

ગૂંચવાયેલા સવાલ

અહીં ઈશમાંય તેત્રીસ કરોડોના વિકલ્પ મળે છે,

બદકિસ્મતને બદલામાં તોય  સંકલ્પ મળે છે..

આંદોલનોમાં જ રસ છે બધાને અસ્તિત્વમાં નહિ,

જીવતાને જીવાડનાર એથી જ બહુ અલ્પ મળે છે..

મિથ્યા આસક્તિની ગળથુથી પીવડાવાય છે આજન્મ,

ભોગવી ન શકે સુખ એવા અફસોસના કલ્પ મળે છે..

ગૂંચવાઈ જાય છે સવાલોના માળા ભીતર હરરોજ,

 કે આ ક્યા અજાણ કર્મોનું ફળ  નિર્વિકલ્પ મળે છે..

- હિના એમ. દાસા

*****

(

જિંદગી સાથે કદમતાલ મિલાવતા 

કેટલું છૂટી જાય છે,

કેટલું મળી જાય છે:

નાટકનો અફસોસ થાય છે 

જિંદગી તો ઘણું શીખવી જાય છે. 

જિંદગી સાથે કદમતાલ મિલાવતા 

કેટલુંય છૂટી જાય છે,

કેટલુંય મળી જાય છે:

નાહકનો ઉદાસ થાય છે માનવ

જિંદગી તો ઘણુંય શીખવી જાય છે. 

- ગીતાબા ગોહિલ

********

()

મારી માતૃભાષા

છે મા જેવી મીઠુડી, મારી તો માતૃભાષા,

ધાવણમાં ઘોળી પીધી, મારી તો માતૃભાષા.

હૃદયના ધબકારે ધબકી, મારી તો માતૃભાષા,

માટીની જેમ મહેકી, મારી તો માતૃભાષા.

બાર ગાવે બદલે, મારી તો માતૃભાષા,

લહેકો છે જેનો જુદો, મારી તો માતૃભાષા.

આત્મવિશ્વાસથી છલોછલ, મારી તો માતૃભાષા,

મા જેવી માર્ગદર્શક, મારી તો માતૃભાષા.

નર્મદ, કલાપીથી મલકી, મારી તો માતૃભાષા,

દલપત - મુન્શીના ‍હાથે છલકી મારી તો માતૃભાષા. 

- મીરાબેન ગેવરિયા 

****

()

મુસ્કુરાઈ 

ધરાતલ પર શોભતી આ વનરાઈ 

પુષ્પની સુગંધે સુગંધે એ મુસ્કુરાઈ!

પર્વત - ઝરણાંના એ ભાવ - વિભોર જોઈ

નદીઓમાં તરતી એ માછલીઓ મુસ્કુરાઈ!

મંદિરની ઝાલરે ઝાલરે એ સંભળાઈ

નાદ એનો સુણીને કુદરત મુસ્કુરાઈ!

જોવા ' તા સ્વપ્ન એ આંખ તણા ભાઈ

મનમાં એ લાગણીઓ કેવી મુસ્કુરાઈ! 

- અશ્વિન શુદ્રા

****

()

तुम 

तुम प्रेम हो , बलिदान हो ,

आशा हो, अभिमान हो।

तुम ज्ञान हो, विज्ञान हो,

तुम सिद्धि हो, समृद्धि हो।

तुम सत्व हो,  तत्व हो ,

तुम हि इस जीवन का महत्व हो।

तुम सती हो , तुम सीता हो,

तुम हि  भगवत गीता हो।

तुम संकल्प हो, तुम विकल्प हो,

तुम विराट हो, तुम अल्प हो।

तुम साँस हो, विश्वास हो,

तुम पास हो, तुम अहसास हो।

जय पंड्या

*****

(૧૦)

તારી 'ને મારી વચ્ચે ઊભો સમય એ રીતે,

વર્ષા ને ભેજ વચ્ચે બારીનો કાચ ઊભે.

સ્પર્શી ગયેલું કોઈ ગમતી જગાએ કાલે,

તેથી રૂંવાડા મારા આજે ભીતરથી સળગે.

તારા અભાવને મેં એવી રીતે છે ઓઢ્યો,

કોરો પવન જે રીતે, ફૂલોની ખૂશ્બુ પ્હેરે.

ભીતર વસે ઉદાસી તારા ગયા પછીથી,

ભાડુતને હટાવી, ઘરમાં ધણી વસે છે.

હદથી વધારે પીધો અંધાર તે જગતનો,

તેથી 'દીપક' કવનમાં અજવાસ તારો પ્રસરે.

- દીપક પેશવાણી

*****

(૧૧)

આ ખોવાઈ જવું, એ ગમવા લાગ્યું છે.

પોતાના શમણાં માં રમી જવું, એ ગમવા લાગ્યું છે.

માન્યું, ઘણા એ કીધું, તું એકલી છે;

સાચું કહું? આ એકલાપણું ગમવા લાગ્યું છે.

નદીનો કિનારો હોય કે દરિયાનો,

મને ખાબોચિયાના છબછબીયા ગમવા લાગ્યા છે.

ભલે ને, જગત કહેતું: તું દેવી, તું કુવાંસી, તું કંજક, તું સ્ત્રી;

માનશો મારું? મને બાળપણ વાળું ભોળપણ ગમવા લાગ્યું છે.

પ્રથમ પુસ્તક, પછી જંગલ, પછી દરિયો, અને સંગીત,

સૂનકાર નહિ પણ પોતીકા ભાસે છે, આ કુદરત હવે ગમવા લાગી છે.

પુનર્જીવન પામી ને અનેકો વાર, વારંવાર,

છેલ્લે આ "સેજલ" મને ગમવા લાગી છે. 

- સેજલ 

આભાર, આપે આપનો બહુમૂલ્ય સમય આપીને છેક સુધી કવિતાઓ વાંચી તો હવે આપને યોગ્ય લાગે અને આપના વર્તુળમાં જેમને વાંચનનો કે કવિતાઓ વાચન માટે રસ છે એમને આ લિંક મોકલશો. 

આભાર સહ... Sahaj Sahity ટીમ... 

વિશ્વ કક્ષાની કવિતા માણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...

https://youtu.be/b8LFqamsDb4?si=wQoRDvkLysx4K1iN

કવિશ્રી ભરત વિંઝુડાનું કાવ્ય પઠન સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો...

https://youtu.be/0CPNrJNpGmA?si=tyeQBiysPz6qlYNE

સૌમ્ય જોશીની કવિતા સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 

https://youtu.be/lnN-1r6sAcQ?si=9SJQXZBTfU1COO8G

રાજેન્દ્ર શુક્લ સાહેબનું કાવ્ય પઠન અને કવિતામાં શબ્દોની તાકાત સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો...

https://youtu.be/a9fKdQTCUQ0?si=AqWZTFhh-23Zw9ao

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link... 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow