સમયનું ચક્ર
time travel a family drama gujarati story

time travel a family drama gujarati story
સમયનું ચક્ર
આલેખન - જય પંડ્યા
શાળામાં રજાનો બેલ વાગ્યો અને ક્લાસમાંથી 6 ફૂટનું કદ, મોટી ગોળ આંખો, વિશાળ બાહો તથા મુખ પર ગંભીરતાની રેખાઓ ધરાવતા એક 50 વર્ષના પ્રૌઢ શિક્ષક શાળાની સીડીઓ ઉતરી રહ્યા હતા. સૌ કોઈ તેમની સામે જોઇ રહ્યા હતા. સફેદ ધોતી, સફેદ ઝભ્ભો, માથા પર સફેદ (ગાંધી ) ટોપી, કપાળમાં ચંદન સાદગી જ એમનું આભૂષણ હોય એવુ પ્રતીત થતું હતું. સ્વભાવથી ખુબ જ ઉગ્ર હતા.
પોતે ગાયત્રી માતા પર ખુબ જ શ્રદ્ધા ધરાવતા હતા. આ વ્યક્તિત્વનું નામ પ્રાણજીવનભાઈ દેસાઈ. ખુબ જ સિદ્ધાંતવાદી અને રૂઢિચુસ્ત તેમના પરિવારમાં તેઓ પોતે તેમના પત્ની શાંતા બહેન અને એક પુત્રી ધીમહિ હતા.
શાંતા બહેન ખુબ જ આસ્તિક હતા. તેઓ પણ સતત ગાયત્રી મંત્રની માળા કરતા હતા. જેવું નામ એવો જ ગુણ તેઓ ધરાવતા હતા. પોતે ખુબ જ શાંત સ્વભાવના અને ખુબ જ માયાળુ.
ધીમહિ 20 વર્ષની હતી. તે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ભણવામાં ખુબ જ તજજ્ઞ અને વાક ચાતુર્ય એવુ કે સાંભળનાર સૌ કોઈ મંત્ર મુગ્ધ બની જાય.
ધીમહિ દરેક સેમેસ્ટરમાં કોલેજમાં પ્રથમ વર્ગથી ઉત્તીર્ણ થતી હતી. તે કોલેજ દ્વારા યોજાતી દરેક સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી હતી.
પ્રાણજીવનભાઈ આચાર્ય શ્રીની ઓફિસમાં ગયા. મસ્ટરમાં સહી કરી અને તેઓ પોતાના ઘરે આવી ગયા. ચાર રૂમ રસોડાવાળું મકાન ઘરની વચ્ચે થોડું પૂર્વ ભાગ પર એક સરસ મંદિર હતું. તેમાં માં ગાયત્રીની મોટી મૂર્તિ સ્થાપિત હતી. તથા આસપાસ બીજા દેવી - દેવતાંઓની મૂર્તિ પણ હતી. તેઓ ઘરમાં આવ્યા તેમના પત્ની શાંતા બહેન મંદિરમાં બેસી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. થોડીવાર બાદ તેમનો પાઠ પૂર્ણ થાય છે. પ્રાણજીવનભાઈને જોઇ તેઓ કહે છે. જમવાનું તૈયાર જ છે. બેસી જવુ છે તો ધીમહિને બોલાવી લઉં ?
પ્રાણજીવન ભાઈ : હા બેસી જઈએ.
શાંતા બહેન ધીમહિને જમવા માટે બોલાવે છે. ધીમહિ પોતાના રૂમમાંથી બહાર આવે છે અને પોતાના પિતા તરફ જોઇને કહે છે આવી ગયા પપ્પા.
પ્રાણજીવન ભાઈ :હા બેટા .
સૌ જમવા બેઠા પ્રાણજીવન ભાઈ એક નજરે ધીમહિ સામે જોઇ રહ્યા હતા. જાણે ધીમહિનો ચહેરો તેમને કોઈ ઘટના બનવાનો સંકેત આપી રહ્યો હોય.
શાંતા બહેન બોલ્યા તમે કેમ ધીમહી સામે જુઓ છો? તમે સાંજે આવ્યા ત્યારે પણ ચિંતામાં લાગતા હતા. કંઈ થયું છે?
પ્રાણજીવન ભાઈએ વાત ટાળી દીધી. ના ના કંઈ જ થયું નથી.
પછી જમીને બધા સુઈ ગયા.
થોડા દિવસ પસાર થઈ ગયા....
એક દિવસ રાત્રે પ્રાણજીવનભાઈ સુતા હતા. તેમને એક સ્વપ્ન આવ્યું. તેમાં તેમણે જોયું એક સફેદ ચાદર ઓઢીને કોઈ સૂતું છે. તેઓ એકા એક નિંદરમાંથી જાગી જાય છે. તેઓ ડરી જાય છે સતત ગાયત્રી મંત્રનું સ્મરણ કર્યા કરે છે.
થોડીવાર પછી તેમને ઊંઘ આવી જાય છે. આ સ્વપ્ન તેમના મગજ પર ખૂબ જ છાપ છોડી જાય છે. એક દિવસ તો તેમને વર્ગમાં ભણાવતા સમયે કોઈના રડવાનો અવાજ આવ્યો. તેઓ વર્ગમાંથી બહાર આવ્યા અને જોયું તો કોઈ જોતું નહીં.
એક વિદ્યાર્થી વર્ગમાંથી ઉભો થયો 'ને બહાર ગયો.
તેણે પૂછ્યું શું થયું સાહેબ?
કંઈ નહીં એમ કહી તેઓએ વિદ્યાર્થીને વર્ગમાં બેસવા કહ્યું.
તેઓ ઓફિસમાં બેઠા ત્યારે પણ સતત તેમને મગજમાં આ સ્વપ્નનો જ વિચાર આવતો હતો.
તેઓ મનમાં વિચારે છે, મારે શું અર્થ સમજવો આ સ્વપ્નનો? મને શા માટે આ સપના આવ્યું? તે ચાદર ઓઢેલું કોણ સૂતું હતું? કાલે સવારે ગુરુજી સાથે વાત કરવી જ પડશે. આટલું બોલી તેઓ સુઈ જાય છે.
બીજા જ દિવસે વહેલી સવારે તેઓ પોતાના ગુરુજીના ઘરે જાય છે. તેમના ગુરુનું નામ નૃસિંહ મહારાજ હતું. તેઓ સંસારી માણસ હતા. ગાયત્રી માતાના પરમ ઉપાસક ખુબ જ સાધનાઓ કરી સિદ્ધિ પ્રાપ્ત કરેલા સિદ્ધ પુરુષ હતા. તેમની ઉંમર લગભગ 89/90 વર્ષ હતી.
પ્રાણજીવનભાઈ ગુરુજીના ઘરે ગયા ત્યારે ગુરુજી પોતાના પુજા રૂમમાં પૂજા કરી રહ્યા હતા. પ્રાણજીવનભાઈ તેમની બાજુમાં જઈને બેસી ગયા. થોડીવાર બાદ ગુરુજીએ ધ્યાન પૂર્ણ કરી પોતાની આંખો ખોલી.
આવો પ્રાણ જીવનભાઈ..
પ્રણામ ગુરુજી
પ્રણામ બોલો પ્રાણજીવનભાઈ બધુ બરાબર છે ને?
પ્રાણજીવનભાઈ : આમ તો બધું બરાબર છે ગુરુજી પણ?
પણ શું પ્રાણજીવનભાઈ? ગુરુજી બોલ્યા.
ગુરુજી મને થોડા દિવસ પહેલા એક સ્વપ્ન આવ્યું. જેમા મને સફેદ ચાદર ઓઢેલા કોઈ વ્યક્તિ સુતા હોય તેવું દ્રશ્ય જોયું. આનો શો અર્થ ?
ગુરુજી : હું સમજી ગયો આ સ્વપ્ન ભવિષ્યમાં કોઈ અશુભ બનાવ ( ઘટના ) નો સંકેત આપે છે.
પ્રાણજીવન ભાઈ : શું થવાનું છે ? કોની સાથે ?
ગુરુજી : એ બનાવ 6 મહિનાની અંદર થશે. કોની સાથે એ હું હમણાં નહિ જણાવી શકું.
.પ્રાણજીવનભાઈ : કેમ ?
ગુરુજી : અમુક બાબતો જાણવામાં મજા નથી સમયે તમને ખ્યાલ આવી જશે અથવા હું તમને જણાવી દઈશ.
પ્રાણજીવનભાઈ :ઠીક છે પ્રણામ ગુરુજી.
ઠીક છે પ્રાણજીવનભાઈ.
આ સાંભળ્યા બાદ પ્રાણજીવનભાઈ વધુ ચિંતાતુર રહે છે. તેઓ વિચારે છે ગુરુજી આમ શું કામ બોલ્યા?
પણ ગુરુજી તો જે થવાનું હતું એ વિશે અગાઉથી જ જાણતા હતા.
ધીમે ધીમે સમય જવા લાગ્યો. પ્રાણજીવનભાઈ પોતાનું સ્વપ્ન ભૂલી ગયા. તેમને નોકરીમાં પ્રમોશન મળ્યું તેઓ શાળાના શિક્ષકમાંથી કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા. સૌ આનંદથી જીવન પસાર કરવા લાગ્યા. પ્રાણજીવનભાઈનો પગાર વધી ગયો. ઘરમાં જે કંઈ ખાધ હતી તે પુરાવા લાગી. પણ કહેવાય છે ને કે સુખ જાજો સમય ટકતું નથી.
આ તરફ ધીમહી પોતાની કોલેજમાં પરીક્ષા દેવા માટે ગઈ હોય છે. પરીક્ષા દઈ તે ઘરે પરત ફરતી હોય છે. રસ્તામાં તેને ચક્કર આવી જાય છે અને તે બેભાન થઈ જાય છે. ધીમહિની એક સખી પ્રાણજીવનભાઈ ને આ વિશે જાણ કરે છે અને તે ધીમહિને હોસ્પિટલ લઈ જાય છે. આ તરફ પ્રાણજીવનભાઈ અને શાંતા બહેન પણ હોસ્પિટલમાં આવી જાય છે. થોડીવાર બાદ ડોક્ટર વોર્ડમાંથી બહાર આવે છે. તેઓ પ્રાણજીવનભાઈને કહે છે ધીમહીના પિતા તમે છો ?
પ્રાણજીવનભાઈ : હા હું જ છું.
ડોક્ટર : તમે મારા કન્સલ્ટિંગ રૂમમાં આવશો.
પ્રાણજીવનભાઈ કન્સલ્ટિંગ રૂમમાં જાય છે. ડોક્ટર શું થયું છે મારી દીકરીને ?
ડોક્ટર : વાત ગંભીર છે બેસી જાવ
પ્રાણજીવનભાઈ : મારે બેસવું નથી તમે ઝડપથી કહો શું થયું છે ?
ડોક્ટર : પ્રાણજીવનભાઈ બેસી જાવ.
પ્રાણજીવનભાઈ : બેસી જાય છે.
ડોક્ટર : જુઓ પ્રાણજીવનભાઈ હું તમને ખોટું નહિ કહું અને વાત ગોળ ગોળ નહિ ફેરવું તમારી દીકરી શું કરે છે અત્યારે ?
પ્રાણજીવનભાઈ : કોલેજના છેલ્લા વર્ષમાં છે. તેની પરીક્ષા ચાલી રહી છે.
ડોક્ટર : પ્રાણજીવનભાઈ તમારી દીકરીના મગજમાં ગાંઠ છે. અને તે સાવ છેલ્લા સ્ટેજમાં છે. હવે તે વધીને 4/5 મહિના માંડ જીવશે..
આ સાંભળી પ્રાણ જીવનભાઈ આઘાતમાં સરી ગયા. જાણે કે તેમના પર આભ ફાટી પડ્યું હોય. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ અટકી ગયું હોય. શ્વાસ નળી બ્લોક થઈ ગઈ હોય. આખું શરીર લકવો મારી ગયું હોય એવી દશા તેઓ અનુભવી રહ્યા હતા.
ડોક્ટર : હું તમને કોઈ અંધારામાં રાખવા માંગતો નથી એટલા માટે મેં તમને અંગતમાં આ વાત કરી છે. તમારા પત્ની કદાચ આ વાત સહન નહીં કરી શકે. પણ આ જ સત્ય છે કદાચ તમારી દીકરીનુંઓપરેશન કરવામાં આવે. તો પણ તે 10 કે 15 દિવસની અંદર જ મૃત્યુ પામશે. એના કરતાં તે જેટલું જીવે શાંતિથી રહેવા દો. તમારા પત્ની કે તમારી દીકરી કોઈને આ વાતની જાણ ન કરતા.
થોડીવાર બાદ પ્રાણજીવનભાઈ ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાથી બહાર આવે છે.
તેઓ સ્વસ્થ બની તેમની પત્ની પાસે આવે છે.
શાંતા બહેન : શું કહ્યું ડોકટરે ?
પ્રાણજીવનભાઈ ગરમીના કારણે ચક્કર આવી ગયા.
શાંતા બહેન : તો વાંધો નહિ હું ડરી ગઈ હતી.
પછી બધા ઘરે આવે છે.
બીજા દિવસે પ્રાણજીવનભાઈ ગુરુજી પાસે આવે છે.
આ વખતે સીધા ગુરુજી કહે છે. કંઈ યાદ આવ્યું તમને પેલું સ્વપ્ન તમને આ વિશે જ સંકેત આપવા આવ્યું હતું માતાએ તમને ચેતવ્યા હતા. તમારા એ સ્વપ્નને 6 મહિના થયા છે. ડોકટરે તમને 6 મહિના ધીમહિ જીવશે એવુ કહ્યું છે ને ?
પ્રાણજીવનભાઈ : હા ગુરુજી અને તેઓ ખુબ જ રડવા લાગે છે. કોઈ માર્ગ બતાવો મને આ દ્વિધામાંથી બહાર નીકળવા મારી દીકરીને બચાવી લો.
ગુરુજી: આ વિધિનું વિધાન છે. તેને હું નથી બદલી શકતો પણ હા એક વાત કહું ?
પ્રાણજીવનભાઈ : કહો ને ગુરુજી
તમે અને હું બંને આપણાથી થશે તેટલી ગાયત્રી મંત્રની માળા કરશું માતાને પ્રાર્થના કરશું. તેથી વિધિનું વિધાન તો નહિ ફરે પણ ધીમહીને પોતાની તકલીફથી રાહત થશે.
ગુરુજીના સૂચન બાદ પ્રાણજીવનભાઈ ઘરે આવે છે. સતત ગાયત્રી મંત્ર બોલતા બોલતા ધીમહિ સાથે વિતાવેલ ક્ષણો યાદ કરે છે.
આમ જ દિવસો પસાર થતા જાય છે.
એક દિવસધીમહિને ખુબ જ માથું દુઃખે છે. તે પ્રાણજીવનભાઈને આ વાત કરે છે અને ત્રણેય જણ હોસ્પિટલ જાય છે. ડોક્ટર ધીમહિને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. અને ઓપરેશન શરૂ કરવામાં આવે છે.
આ તરફ આ બંને પતિ પત્ની ખુબ જ રડે છે.
પુરા 4 કલાક બાદ ઓપરેશન પૂરું થાય છે અને ઓટી ( ઓપરેશન થિયેટર ) માંથી બહાર નર્સ આવે છે અને કહે છે કે તમે તમારી દીકરીને મળવું હોય તો મળી શકો છો હવે તેની પાસે વધુ સમય નથી..
આ સાંભળી બંને દંપતી અંદર જાય છે.
ધીમહિ : મમ્મી મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે. હું હવે તને હેરાન કરવા નહિ રહું. હવે હું એવી દુનિયામાં જાઉં છું જ્યાં મને કોઈ જોઇ નહિ શકે કોઈ સાંભળી નહિ શકે. પણ હા હું તને સ્વપ્નમાં જરૂર મળવા આવીશ અને મારી ઈચ્છા છે હું ભગવાનને પ્રાર્થના કરું કે જો મારો બીજો જન્મ થાય તો તું જ મને મા સ્વરૂપે મળે.
પ્રાણજીવનભાઈ કંઈ બોલતા નથી. ધીમહિ તેમની તરફ જુએ છે અને કહે છે. તમે મને ગાયત્રી મંત્ર શીખવ્યો હતો એટલે મને ક્યારેય મારી પીડાનો ખ્યાલ ન રહ્યો.
હું હવે જાવ છું મમ્મી રડતી નહિ ગાયત્રી મંત્રના જાપ સતત બોલજે જેથી મારી આત્માનો વાસ મા ગાયત્રીના પાવન ચરણોમાં થાય.
અંતે તે ગાયત્રી મંત્ર બોલે છે અને તેના મોં માંથી શ્વાસ છૂટે છે. તેના માતા પિતા આ આઘાત સહન કરી શકતા નથી .
શાંતા બહેન જોરથી ચીસ પાડે છે. અને ડોક્ટર ત્યાં આવે છે. તે ધીમહિને તપાસે છે અને કહે છે સોરી પણ તમારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી...
.
મા બાપ બંનેના હ્રદય ભરાય આવે છે. બંને કુદરત સામે ફરિયાદ કરે છે.
જેનું જીવન શરૂ પણ થયું ન હતું તેણે પોતાની જીવનલીલા સંકેલી લીધી.
તેઓ ભારે હ્રદય સાથે વહાલસોયી દીકરીને અંતિમ વિદાય આપે છે.
જીવનની કેવી કરુણ દશા કે જેની જીવન યાત્રા શરૂ નથી થઈ તેની અંતિમ યાત્રા નીકળે માતા પિતાની હાજરીમાં સંતાન વિદાય લે સંતાન તેમના હાથે ઢંકાઈ જાય આથી વિશેષ કરુણતા શું હોય ?
હજી પણ પ્રાણજીવનભાઈ અને શાંતા બહેનને ધીમહિના આસપાસ હોવાની અનુભૂતિ થાય છે.
નોંધ : આ સત્ય ઘટના છે. ઘટના ક્રમ અને પાત્રોના નામમાં બદલાવ કરેલ છે.
આલેખન - જય પંડ્યા
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






