હું અને મારા હનુમાન...
Hanuman power capability and Dedication

Hanuman power capability and Dedication
હું અને મારા હનુમાન...
- આનંદ ઠાકર
જીવનના એક એવા વળાંકે હનુમાનજી સાથે લગાવ થયો કે લાગી છૂટે ના...
રામાયણ મારા મગજમાં ચાર થરી હોમાય: એક તો મોરારિબાપુની રામ કથા, બીજું ગાતા શ્રવણ આકાશવાણી રાજકોટનો કવિ કાગનો કાર્યક્રમ જેમાં મોટાભાગે કાગની દૃષ્ટિએ રામાયણને જોવાનું થયું. ત્રીજું વાંચતો ને વાંચેલું સમજતો થયો ત્યારે રામચરિત માનસ અને વાલ્મિકી રામાયણ વાંચ્યા. ચોથું ગીતાપ્રેસ ગોરખપુરના હનુમાન અંક અને એમાં અલગ અલગ વિદ્વાન સંતો દ્વારા હનુમાનને જોવાની દૃષ્ટિ.
આ બધા માંથી પસાર થયો પછી રામાયણની કથા મારા મગજમાં હંમેશા એક ઉપકથા તરીકે ચાલી અને એમાં વિચરતા વિચારતા એક વિચાર આવ્યો કે રામાયણનો મધ્યભાગ કયો?
જવાબ: હનુમાનજીની એન્ટ્રી...
કોઈ પણ રામાયણ લઈ લો. રામાયણનો કોઈપણ સર્જક આ પાત્ર વગર કથા કરી જ ના શકે. અને મારા મગજમાં કોંધેલા આ વિચારે મારા હૃદયમાં યુરેકા ક્ષણને જન્મ આપ્યો.
એક તો પિક્ચરમાં અધવચ્ચે એન્ટ્રી મારે અને આખું ફિલ્મ કબ્જે કરી જાય જેમાં મુખ્ય હીરો પણ કહી દે કે
તુમ મમ પ્રિય ભારત સમ ભાઈ...
અને
એક જ જન્મ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા...
મને થયું અદ્ભુત... ચાલો, લોકો પાસે જે દર શનિવારે તેલ ચડાવે છે ને દિવસની શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરે છે. મેં જોયું કે હનુમાનજીને ગામડે ગામડે એક દેરી બનાવીને બેઠાડ્યા છે... - ટૂંકમાં જેને કેવળ અતૂટ શ્રધ્ધા અને હનુમાનજી પ્રત્યે ધાર્મિક સમર્પણ છે એમની પાસે જઈએ...
શું તારણ મળ્યું મને?
મને તારણ મળ્યું કે જનસામાન્ય એમના હિરોઈઝમ કરતા વધુ સમર્પણ ભાવના તરફ વધુ આકર્ષાયા છે. બધું જ સામર્થ્ય હોવા છતાં કોઈ અટકચાળો કરતો હોય એને ક્ષમા કરી દેવું એ લોકોને ગમી ગયું. એટલે ભારતીય જનમાનસનો થોડો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આપણે શક્તિનું પ્રદર્શન કરવા માટે તાકાત મેળવવા માંગતા નથી આપણે સંપૂર્ણ શક્તિ મેળવી અને સ્હેજ પણ અડ્યા વગર સામાવાળો છોભીલો પડી જાય એમ માફ કરી દેવા માટે સામર્થ્ય મેળવવા માંગીએ છીએ.
જુઓ તમે સમુદ્ર પાર જવા માટે કે રામકાજ કરવા માટે સૌથી વધુ સામર્થ્યવાન હનુમાનજી. બેઠા છે નિરાંતે ધ્યાનમાં. પછી તેમને યાદ અપાવવામાં આવ્યું કે તમે આમ આમ કરી શકો છો, યાર! હવે ઊઠો, હવે તમારી જરૂર છે. અને પછી કનક ભૂધરા કાળ શરીરા.... જલદી લાંઘી ગયે... અસુર સંહારે... બધું થયું...
હનુમાનજી મને સ્પર્શી ગયા ત્યાં! સત્તા વૈભવથી કે વારસાથી મેળવી શકાય પણ સત્તા ટકાવવા માટે સામર્થ્યવાન વ્યક્તિઓની જરૂર પડે છે. માટે સામર્થ્યવાન બનો. સામર્થ્ય તમને એટલા સક્ષમ બનાવી દેશે કે તમારું મૌન સાંભળવા પણ માણસો પડાપડી કરશે. સામર્થ્યવાનનું પૂછડું પણ બધું સળગાવવા સક્ષમ હોય છે એટલે કે એની સાવ સામાન્ય શક્તિ પણ અસીમ કામ કરી શકતી હોય છે.
હનુમાનજી આ શીખવે છે: શક્તિનું કેન્દ્રીકરણ, સામર્થ્યનું સંકલન અને સમર્પણની સહનશીલતા.
શક્તિનું કેન્દ્રીકરણ: એ હનુમાનજીમાં બુદ્ધિ અને શક્તિનું એકીકરણ છે. લંકામાં એક જ મુલાકાત અને રાવણને તમામ સંદેશ એમના કાર્યોથી આપી દીધો.
સામર્થ્યનું સંકલન: હનુમાનજી દુશ્મનના પ્રદેશમાં જઈ શકે, સુગ્રીવ જેવા હતભાગી વ્યક્તિના મિત્ર બની શકે, સમુદ્ર પાર જઈ શકે અને બ્રહ્માસ્ત્ર માત્ર બ્રહ્માજીનું છે એ દેવ અપરાધ ન થાય માટે સહન કરી શકે છે. - આ છે સામર્થ્યનું સંકલન.
સમર્પણની સહનશીલતા: ગમ્મે એટલી ભૂખ લાગી હોય પણ સીતા માતા અનુમતિ આપે તો જ ભોજન થાય. રાવણને રગદોળવા સક્ષમ છે પણ સીતાજી કહે છે કે એ સદભાગ્ય તો મારા રામને જ મળવું જોઈએ અને એ અટકી જાય છે આ છે રામ પ્રત્યેનું એમનું સમર્પણ અને એમના એ જ સમર્પણના દર્શન થાય જ્યારે એક એક કાર્ય શ્રી રામજીનો આદેશ મળે એમ જ કરવાનું. શા માટે આટલી સહનશીલતા તો જવાબ છે કે સમર્પણ. એમનું સમર્પણ એમને જાતે નક્કી કરેલા નિયમોનું છે. પ્રતિબધ્ધતા છે. એમના જીવનમાં સમર્પણનું એક અનુશાસન છે. સામર્થ્યવાન વ્યક્તિએ જીવનમાં સહન સૌથી વધુ કરવાનું આવે છે કારણ કે જ્યાં એ મૌન રહે છે ત્યાં પણ એમની ટીકા થાય છે અને જ્યાં એ એક્શનમાં આવે છે ત્યાં પણ એમણે જ સૌ માટે ખપી જવાનું આવે છે.
મને હનુમાનજી આવી આવી રીતે સમજાયા છે. સૌને પોતપોતાના આરાધ્ય દેવ અલગ અલગ સંદર્ભે સમજતા હોય છે. એમની એ કારામત જ આપણે એમના સાનિધ્યમાં રાખે છે. એટલે હનુમાનજી શીખવે છે કે પ્રભુ, બળ દેજો તો પણ વિજ્ઞાનવાન એટલે જે સમજણ ભરેલું, જેથી મારી પાસે આપની કૃપાથી ગમ્મે તે પ્રકારનું સામર્થ્ય આવે - સત્તાનું, સંપત્તિનું કે શારીરિક હોય કે માનસિક ત્યારે અદ્વિતીય શ્રદ્ધા રાખીને શાંત રહેતા શીખવું.
આ તો મને સમજાયેલા મારા હનુમાન છે. તમને પણ તમારી દૃષ્ટિએ હનુમાન કે તમારા આરાધ્ય સમજાયા હશે તો લખો એમના વિશે...
- આનંદ ઠાકર
What's Your Reaction?






