જુદી ભાત પાડતું ધ્રુવ ભટ્ટ લિખિત 'આમાર માનુષ' પુસ્તક

આપ એવી પેઢીના છેલ્લા દીવડાઓ છુઓ કે જેમનું જીવન અને કવન એક સમાન છે. લેખકની આત્મશ્રદ્ધા અને શબ્દની સાધના શું કરી શકે છે એ આજથી પચાસ વર્ષ  પછી કોઈ ગુજરાતી ભાષાને નવેસરથી સમજવા માટે તપાસ કરશે ત્યારે આ પુસ્તક એ સાહેદી પૂરશે કે હા મારી ભાષામાં પણ આવો લેખક હતો. 

Oct 23, 2026 - 23:33
Oct 23, 2026 - 23:35
 0  25
જુદી ભાત પાડતું ધ્રુવ ભટ્ટ લિખિત 'આમાર માનુષ' પુસ્તક
Aamar maanush dhruv bhatt gujarati sahity

જુદી ભાત પાડતું ધ્રુવ ભટ્ટ લિખિત 'આમાર માનુષ' પુસ્તક

ધ્રુવ ભટ્ટ લિખિત ' આમાર માનુષ ' ગુજરાતી સાહિત્યમાં એક જુદીભાત પાડતું પુસ્તક છે અને આવું પુસ્તક ધ્રુવ ભટ્ટ લખે એ જ વાજબી કહેવાય. 

આ પુસ્તકની પ્રસ્તાવનામાં ધ્રુવ ભટ્ટ લખે છે...

મારાં લખાણોએ મને બીજું જે કંઈ આપ્યું હશે તે, પરંતુ તેણે આપેલી સહુથી મોટી ભેટ તો તમે બધાં છો. તમે મારે મન સૌથી વધારે મૂલ્યવાન છો. મારાં લખાણોના વાંચનારા, મેં લખીને તરતાં મૂકેલાં ગીતોનાં ગાનારાં. જેનો સંપર્ક લગભગ રોજ થાય છે તે અને જેનો ક્યારેય નથી થયો તે. તમે બધાં મારાં છો. આમાર માનુષ—મારા માણસો.

હે મારા મનોજગતના સાથીઓ, આ નાનકડી પુસ્તિકામાં હું આપ સર્વેની વાતો નથી લખી શક્યો. આમાં ફક્ત એ લોકોનો જ ઉલ્લેખ છે જેમની સાથે કોઈ યાદગાર ઘટના બની હોય વાતો થઈ હોય.

ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત આ ' આમાર માનુષ ' પુસ્તિકામાં એકેએક પ્રસંગ મજેદાર અને જીવનને  સમજાવી જાય એવા છે. એમાંથી કેટલાંક એવા પ્રસંગોના ટૂકડાં મૂક્યા છે. સાવ અમસ્તો અંશ. એનો મતલબ એવો નથી કે આ એનો અર્ક છે કે વધુ કશું નથી. આ માત્ર મને ગમેલા કેટલાંક વિધાનો ને પ્રસંગોના અંશો છે, આપને કશુંક સારું ગમવા માટે તો આ પુસ્તક માંથી પસાર થવું જ પડશે...

ચાલો, માણીએ અમુક અંશ... 

******

એક દીકરીનો સંદેશો આવ્યો, 'દાદા, મારો જન્મદિવસ છે, આશીર્વાદ

મેં બોલીને કહ્યું, ‘બેની, આશીર્વાદ આપવાની મારી ત્રેવડ નથી. હું અને બા તને શુભેચ્છા આપીએ છીએ કે ખૂબ, આગળ વધો. સરસ કામ કરો અને મોજમાં રહો.’

‘ના દાદા. એમ સાવ ફિક્કું નહીં. કંઈક સાચું લખી મોકલો. મારે મારા ગ્રૂપમાં મૂકવું છે કે દાદાએ મને વિશ કર્યું.

આવું દબાણ થાય ત્યારે મને હંમેશાં સાવ સાચો જવાબ જ સૂઝે છે. મેં લખી મોકલ્યું, ‘ડોશી થા.”

જન્મદિવસે આથી મોટા આશિષ બીજા કયા હોય?

********

ડૉક્ટર દંપતિના જીવનમાં થયેલી ઘટના અને એના સાક્ષીરુપ લેખક વિસ્તારથી વાત લખે છે અહીં તેમાંથી અંતિમ સંદેશ:  

આ બેઉ મારા આમાર માનુષ પાસેથી હું બે વાત શિખ્યો છું, એક કે મરવું સહેલું છે, જીવવું જ અઘરું છે અને બીજું, એક વખત પળેપળ સજાગ રહીને, જીવતી અને અન્યોને જિવાડતી ડૉક્ટરબહેન જેમ પોતાનું નામ પણ ભૂલી ગઈ હતી, તેમ જ આ બધુંયે જ ભૂલાઈ જવાનું છે, હું મારાં લખાણો, મારું નામ કશું ક્યાંય રહેવાનું નથી. એ તો છે ત્યાં સુધી જ છે.

******

લેખક તરીકે બોલાવેલા ધ્રુવ ભટ્ટ જે રીતે હેરાન થાય છે એની વિનોદ સાથે ગંભીર વાત કરી દીધી છે: 

આપણને આપણા પુસ્તકો વિશે વાતો કરવાના બહાને આપણને નોતરીને, પોતે શું-શું કર્યું તે સંભળાવી દે એવા જનો હોય એ તો સમજ્યા. પણ તપતા ઉનાળામાં બપોરે દોઢવાગે ભૂખ્યા—તરસ્યા, તમને સમશાન ઘાટે લઈ જઈને તમારી પાસે ભઠ્ઠીની ચાંપ પણ દબાવડાવે એવા મનુજો હું પહેલી વાર જોતો હતો.

સરસ્વતીને હેરાન કરવાની લક્ષ્મીને મજા આવે છે એવી લોકવાયકા તો મેં સાંભળી છે; પરંતુ ધનની અધિષ્ઠાત્રી, પોતાની ભલી હસતી, ગાતી વીણાવાદિની સખીને આટલી હદે હેરાન કરી શકે તેવી કલ્પના મને નહોતી

*****

સમુદ્રાન્તિકે - ધ્રુવ ભટ્ટની જનસામાન્યના મનમાં આદર પામેલી કૃતિ છે એનું એક સ્થળ એટલે હાદા ભટ્ટની હવેલી. આ હવેલીનું વર્ણન જેના પરથી કરવામાં આવ્યું એ ચાંચ બંદર પરનો બંગલો જે ખરેખર ભાવનગરના રાજા સાહેબે બનાવડાવેલો. ૨૦૨૧ માં જ્યારે લેખક ફરી ત્યાં મુલાકાત લે છે ત્યારે જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું, તેનો ' વિનિપાત ' લેખકે લખ્યો છે એ પણ આપણે વાંચવું રહ્યું: 

૨૦૨૧ના તૌક્તી વાવાઝોડા પછી મેં ચાંચ બંગલો લગભગ નષ્ટપ્રાય અવસ્થામાં જોયો હતો. ચોકીદારે મને ઉપરના કમરામાં કે પાછળની કમાનવાળી અગાસીમાં જવાની ના પાડેલી.

અને અરરર. હમણાં છેલ્લે ગયો ત્યારે ત્યાં તે વિસ્તારનો, કોઈ રાજકીય મુખિયા જેવો માણસ, બે-ત્રણ બિલ્ડર જેવા દેખાતા લોકોને આંટા મારતા જોયા. પેલો રાજકારણી જેવો માણસ, વેપારીઓને બંગલાની દીવાલો બતાવીને કહેતો હતો, ‘હવે ખાણ્યુંમાં, આવો કાળો પાણો ક્યાંય નથ નીકળતો, પણ તમારે જો’તો જ હોય હો તો આંયથી, આ જ પાણાં કઢવી દઉં.’

‘અહીંનો પાણો લઈ જઈએ એવું થાય?” એક વેપારીએ પૂછ્યું. ‘અરે બધુંય થાય. તમે અવાજ કરોને, બધુંય થાય. નો કેમ થાય? પેલાએ ઉત્તર આપ્યો તે મારા કાનમાં ગરમ સીસાની જેમ રેડાયો.

આઝાદી પછી, આ દેશમાં આજ સુધી મેં ક્યાંય નહોતા સંભળાતા, તેવા ગર્વિષ્ઠ અવાજો અને વાતો હવે બધે સાંભળવા મળે છે. એવું બોલનારાનું તો સમજ્યા, પણ આપણી હાલત તો જુઓ, કોઈના, મારા પણ પેટનું પાણીયે હલતું નથી.

હું ભારે હૃદયે ત્યાંથી નીકળી ગયો. પછી પેલા લોકોએ શી વાતો કરી હશે તે હું નથી જાણતો.

આજે ચાંચબંગલો, મેં તેને સોંપેલું હાદા ભટ્ટની હવેલીનું પાત્ર ભજવીને અંતિમ શ્વાસો ગણે છે. આજે, હજી, પણ શક્ય હોય ત્યારે હું ચાંચ જઉં છું અને બંગલાની ભવ્ય ભગ્ન દીવાલો પર હાથ ફેરવીને પાછો આવું છું.

આમાર માનુષ ફક્ત હાલતાં, ચાલતાં, બોલતાં, વાંચતાં જનો જ થોડા હોય? એ તો રાજુલાના કાળા પથ્થરમાંથી પણ સરજાઈ શકે અને છેવટ સુધી હૃદયમાં ધબકતા પણ રહે.

*****

ગામડાના જણ પેલા સુરેન્દ્રનગરની સીમમાં મળેલા ખેડૂત દંપતીઓની વાંચન બાબતે વાતોનો તો આખો લેખ અહીં મૂકી દઉં એવું થાય, પણ ના, તમે વાંચજો જ આ પુસ્તક...

છેલ્લે... 

વહાલા, લેખક, ધ્રુવ ભટ્ટ,

આપની સહજતા, વિનોદ કરવાની સહજ વૃત્તિ ને એમાંથી જીવનના સત્યો એવા સ્પર્શ્યા છે કે જીવનભરની પ્રેરણા આપે છે. 

ખૂણામાં બેઠેલા અમે પણ તમારા ' આમાર માનુષ ' છીએ. આપ એવી પેઢીના છેલ્લા દીવડાઓ છુઓ કે જેમનું જીવન અને કવન એક સમાન છે. લેખકની આત્મશ્રદ્ધા અને શબ્દની સાધના શું કરી શકે છે એ આજથી પચાસ વર્ષ  પછી કોઈ ગુજરાતી ભાષાને નવેસરથી સમજવા માટે તપાસ કરશે ત્યારે આ પુસ્તક એ સાહેદી પૂરશે કે હા મારી ભાષામાં પણ આવો લેખક હતો. 

ગુજરાતી ભાષા ય જીવશે ને ધ્રુવ ભટ્ટ પણ અવિચળ છે ને રહેશે. 

લિખતિંગ...,

આનંદ ઠાકર 



#aamarmaanish #dhruvbhatt #gujarati #sahity #gujaratisahity

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow