નાના પાટેકર: મારા બાળપણનું બોલિવૂડ

Nana Patekar film my childhood memories Anand Thakar

Oct 8, 2026 - 15:43
Oct 8, 2026 - 16:02
 0  8
નાના પાટેકર: મારા બાળપણનું બોલિવૂડ
Nana Patekar film my childhood memories Anand Thakar

Nana Patekar film my childhood memories Anand Thakar

નાના પાટેકર: મારા બાળપણનું બોલિવૂડ 

નાના પાટેકરનું નિધન. આ સમાચાર મેં વાંચ્યા કે પહેલા તો સાચું છે કે નઈ એ ત્રણેક ન્યૂઝ ચેનલમાં નક્કી કર્યું. સાચું છે જાણીને દુઃખ થયું. 

ક્ષણવારમાં બસ ક્ષણવારમાં અમે નાના હતા ત્યાંના  નાના સાથેના સ્મરણો મગજના ખૂણેખૂણેથી સામે આવ્યા....

એ માધવ મજીઠીયાનો ગમાણનો ડેલો, એ અમારી રમતો અને રમત વચ્ચે એક નાની પાળી પર ચડીને નાનાનો એ આઇકોનિક સીન: કીડે હો રેન્ગતે કિડે... એ આખેઆખો સીન શબ્દશઃ ભજવતો એના અવાજમાં આને મિમિક્રી કહેવાય એવી ખબર પણ નહીં પણ હા હું ભજવતો... ખાસ ફરમાઈશ કરવામાં આવતી. 

ત્યારે શાહરૂખ, સલમાન, અજય, અક્ષય આ બધાના સિતારા હતા. એના ફિલ્મો પણ જોતા પણ નાનાએ મારામાં કંઈક આગ જગાવી હતી. લાભુદાદાને ત્યાં ટીવીમાં એનું ફિલ્મ આવે એટલે ગમ્મે ઈ કામ મૂકીને જોવા બેસી જવાનું! 

આજે મને મળનારા યકીન નહીં કરે કે આ મિમિક્રી કરી શકે?! અરે!  ભાઈ, કેટકેટલા નાટકો અને એકપાત્રીય ભજવ્યા. 

પછી આવ્યો યુટ્યુબનો યુગ. નાના પાટેકરના એક પણ ઇન્ટરવ્યુ કે નાટકો જે ઉપલબ્ધ હતા એ છોડ્યા નહીં. એની અભિનય ક્ષમતા પછી હું એની જીવન વિશેની સમજણ માટે ફેન અને ફોલોવર બની ગયો. 

એમની વાતો નહોતી માત્ર એમણે કેટલાંક લોકસેવાના અનન્ય કર્યો કર્યા છે અને સંઘર્ષ સાથે આગળ આવેલા આ અભિનેતાને જીવનની જે ફિલસૂફી જડી હતી એ સાંભળવી એક લાહવો છે. 

જ્યારે મને પત્રકાર તરીકે તક મળી ત્યારે મેં બે જ વ્યક્તિને મળવાની બહુ ખેવના કરી એક ઉપેન્દ્ર ત્રિવેદી અને બીજા નાના પાટેકર. બંનેમાં બે સમાનતા હતી.  એક કે બંને નાટક માંથી ફિલ્મોમાં આવ્યા અને બીજું કે ઉપેન્દ્ર ત્રિવેદીએ ' અભિનયસમ્રાટ ' નામનું નાટક અને નાનાએ ' નટસમ્રાટ ' નાટક પોતાની રીતે ભજવેલું. મહત્વની વાત એ છે કે બંને સાચા અર્થમાં અભિનયસમ્રાટ હતા. અફસોસ કે હું નાના પાટેકરને ન મળી શક્યો અને એટલે મને કદાચ  વધુ આ સમાચારે માયુસ કર્યો. 

આમ તો નાના પાટેકર વિશે આજે લખવા વાળા, મળવા વાળા, વાત કરવા વાળા અઢળક લોકો હશે એમાં મારી આ વાતનું કોઈ વજૂદ નથી પણ મેં એમના વિશે એટલે લખ્યું કે નાના પાટેકર દ્વારા અજાગ્રતપણે પણ હું બાળપણમાં સમજી ચૂક્યો હતો કે સાચું સિનેમા શું છે. એમાં પણ  ' દીક્ષા ' , આપલા માનુસ, ગિધ્ધ ... આ બધી એમની ક્લાસિક ફિલ્મ બાકી ક્રાંતિવીર અને પ્રહાર, તિરંગા, અગ્નિસાક્ષી, યશવંત, છેલ્લે રાજનીતિ, વેડિંગ એનિવર્સરી ને હમણાં આવેલી વેબ સિરીઝ - સંકલ્પ... નાનાનું કામ નહીં ભૂલાય... 

કલાની આ જ તો કમાણી છે કે સંઘર્ષ પછી તમારા ભાગે આવેલી સફળતાની સુગંધ પછીથી દુનિયાના બીજા ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે એક અણજાણપણે અદ્ભુત કનેક્શન ઊભું કરે છે. 

નાના પાટેકરને મારી શબ્દ શ્રધ્ધાંજલિ 

  • આનંદ ઠાકર

#nanapatekar #film #childhood #memory #drama 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow