રામાયણ ભાગ - ૧ Hindi film જોયા પછી.... 

તમારી પાસે  પૈસા કે પાવર હોય એટલે તમારા કોઈ સગા કે સંબંધીને તમારી સાથે કોઈ તકલીફ ન થાય, તમે ગમ્મે તેવું વર્તન કરો કે બોલો તો પણ એને તમારી સાથે વાંધો ન આવે. 

Nov 15, 2026 - 09:00
Nov 15, 2026 - 11:27
 0  14
રામાયણ ભાગ - ૧ Hindi film જોયા પછી.... 
Ramayan hindi movie part 1 film

∆ તમારી પાસે  પૈસા કે પાવર હોય એટલે તમારા કોઈ સગા કે સંબંધીને તમારી સાથે કોઈ તકલીફ ન થાય, તમે ગમ્મે તેવું વર્તન કરો કે બોલો તો પણ એને તમારી સાથે વાંધો ન આવે. 

∆ જુઓ, સુપર્ણખા સામે જ એના પતિને રાવણ મારી નાખે છે પણ સુપર્ણખા તો ઠીક પણ બીજું કોઈ પણ વિરોધ નથી કરતું કારણકે રાજરજવાડું, નોકરચાકર બધું છીનવાઈ જાય!

∆ બીજું કે તમારો સમાજ દુઃખી હોય અને તમે વીણા વગાડ્યા કરો એ ન ચાલે. 

∆ રામાયણ ફિલ્મમાં - આજ સુધીના રામાયણમાં રાવણની વાત ડીટેલથી કોઈએ બતાવી નથી એટલે એ જાણવા જેવું હતું જેમણે વાલ્મિકી રામાયણ નથી વાંચ્યું એમના માટે. પણ કાસ્ટીંગ જ ખોટી કરી નાખી. આ રામાયણ ફિલ્મ બનાવનારાએ બે વાર ધુરંધર જોઈ લીધી હોત તો પણ એની ખબર પડી જાત કે કરાય શું? અને હવે આદિત્ય ધર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ફિલ્મ બનાવે છે એવું મીડિયા કહે છે તો એમાંથી પણ કદાચ ખબર પડશે કે શું પરિણામ લાવી શકાય!

∆ એટલે આમાંથી એ પણ શીખવા જેવું છે કે મહાન નામો ભેગા કરવાથી કામ નથી થતું, વિચારને લોકો સુધી પહોંચાડવાની આસ્થા કેટલીક છે એના પર બધો આધાર રાખે છે. દેખાડો કરવો સહેલો છે કાળના પરિક્રમણ સાથે ટકી રહેવા વિચારો પ્રત્યેની તમારી નિષ્ઠા જરૂરી છે. 

∆ રામ બનવા માટે વિઝ્યુઅલ ઇફેક્ટ કામ નથી લાગતી કે નથી તો તમે બોલિવૂડના અભિનયના મહાન પરિવારના પુત્ર હોવ એ પણ કામ નથી લાગતું. રામ બનવા માટે જનમાનસની શ્રધ્ધાની સૌમ્યતા જોઈએ. 

∆  રામ મહાન યોધ્ધા હતા એવું સાબિત કરવા એક્શન સીન કરવાની એટલી જ જરૂરિયાત હતી જેટલી મિનિટનો ભરતમિલનનો સીન છે. 

∆ આશ્ચર્ય  તો ત્યારે થાય કે કવિતા પઠનમાં અને મુશાયરાના સંચાલનમાં શબ્દની રમત કરી યુવાનોને પોતાની વાણીથી આકર્ષિત કરનારા વ્યક્તિનો આમાં જાદુ કયા ગયો?!  આ ફિલ્મમાં લેખન બાબતે અને ગીતમાં એમનું યોગદાન સીધું જ છે એવું આ ફિલ્મની કર્ટસી જણાવે છે. જે વ્યક્તિ મુશાયરાથી વ્યાસપીઠ પરની સફર સિધ્ધ કરે છે એના હાથમાંથી શબ્દ સાવ પાંગળા થઈને સરકી જાય એ સમજમાં નથી  આવતું. 

∆ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવું અને રામધારીસિંહ દિનકર કે મૈથિલિશરણ ગુપ્તની જેમ યુગ કવિ થવા માટે શાસ્ત્રનો અને શબ્દનો ગહન સ્પર્શ હોવો બે બાબતો અલગ છે. શબ્દોની રમત અને શબ્દો પર શ્રધ્ધા જુદી બાબત છે. 

∆ વચ્ચે પૂછી લઉં આ રામાયણ ફિલ્મ અને મુસાફિર કાફે વેબ સિરીઝ આ બંનેની PR એજન્સી કોણ છે એ કોઈને ખબર હોય તો જણાવજો, શું છે કે  આપણે કંઈક રિલીઝ કરવું હોય તો કામ લાગે ને!!! ????????

∆ આખરે, આપણે આવો લોહી ઉકાળો શા માટે કરવો? જ્યારે ચાર હજાર કરોડ માંથી ચાર રૂપિયા પણ આપણને મળવાના ન હોય ત્યારે?! ફક્ત એટલા માટે કે કેટલીય સર્જનાત્મક ભૂમિશિલાઓ  જમીનમાં ધરબીને પોતાની જાતને મહાન સાબિત કરવા મથનારાઓને જ રાવણ મહાન લાગ્યો છે. નહીં તો સમાજ કલ્યાણ કરવા માટે તો ચૌદ વર્ષની ધીરજ જોઈએ, ઈશ્વરીય અવતાર હોવા છતાં લોકકલ્યાણ માટે સમયને આંચ ન આવે, એકને કારણે બીજાને સહન ન કરવું પડે એમ કામ કરાવવાની ધીરજ જોઈએ તો ' જગતપ્રતિપાળ ' જેવું વિશેષણ મળે. બધી સત્તા કે શક્તિ હોવાથી મનફાવે એવું વર્તન કરવાનું લાઇસન્સ મળી જતું નથી. મંદિર એના બંધાય છે જેમણે જગતના અસ્તિત્વમાં પોતાનું શ્રેય જોયું છે. 

∆ રામાયણ એ સર્જનાત્મક લેખનની જબરી પાઠશાળા છે. જેમણે લેખન કરવું છે એના માટે વાલ્મિકી રામાયણ વાંચો તો સમજાશે કે દૃશ્ય ઊભું કરવા માટે વર્ણન કેવું ને કેટલું જરૂરી છે. અને તુલસીદાસ કૃત રામચરિત માનસ વાંચવાથી ખ્યાલ આવશે કે કથાને રોચક કેમ કરી શકાય અને આદર્શ કેમ સ્થાપિત કરી શકાય. 

∆ આપણે તો એમાં જ ખુશ છીએ કે એક ફિલ્મને કારણે લોકોને પોતાના ભગવાનના જીવનમાં બનેલી સાચી ઘટના જાણવા તરફ પ્રશ્નો થાય છે એ જરૂર આવનારી પેઢીને શાસ્ત્રો સુધી લઈ જશે. 

∆ છેલ્લે - હું વારંવાર કહું છું ને લખતો આવ્યો છું કે આપણા શાસ્ત્રો સમજવા માટે કોઈ મીડિયેટર નહીં રાખો. બસ મૂળ ગ્રંથો પાસે પહોંચી જાઓ, તમારી અંદર એ અનેક દ્વાર ખોલી આપશે. કારણ કે આપણા શાસ્ત્ર ગ્રંથોની રચના એવા મહાન સાધકોએ કરી છે કે જેવું મન લઈને જશો એવું પામશો માટે જો બીજા એ કહેશે જેવું એનું મન હશે પણ તમે તમારું મન લઈને જાઓ, ગંગાના પ્રવાહમાં સ્નાન કરતા હો કે હિમાલયના કોઈ ઉતુંગ શિખર પર બેઠા હો એવી અનુભૂતિ થશે ને ક્યારેક એમ પણ થશે કે મધદરિયે તોફાનમાં નાવમાં તમે એકલા છો ને ઘુમરીએ ચડ્યા છો પણ અંતતઃ મૂળ શાસ્ત્રનું વાંચન તમને તમારી અંદરની ચેતનાને મેળવી આપશે. 

વર્ષો પહેલાં વાલ્મિકી રામાયણ વાચતા વાચતા મારીચ પર એક ખંડકાવ્ય લખેલું એનું એક ચરણ... 

अब विपदा हो या हो धर्माचारी

भूलो ना कि तुम केवल हो कर्मचारी

कला जिसकी हो गई हो आश्रित

जीते जी बन जाते है मारीच

नहीं हो सकता क्रांति का जागरण

              तुम मारीच हो, हो नहीं रावण

- આનંદ ઠાકર 



વિશેષ નોંધ - આ ફિલ્મનો રિવ્યૂ નથી. ફિલ્મ જોયા પછી આવેલા વિચારને બે દિવસ ઠરવા દઈને જે મનમાં બાકી રહ્યું એ સૌનું કરવાનો પ્રયાસ છે.

#ramayan #hindifilm #movie 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow